સિંધુનાં જળ પંજાબમાં વાળવા સામે સિંધમાં વ્યાપક વિરોધ : સ્કૂલ, કોલેજ અને કોર્ટો પણ બંધ
- સમગ્ર સિંધમાં વાહન-વ્યવહાર બંધ રહ્યો
- વકીલો સહિત અનેકનાં ધરણા : ખૈરપુર, ઘોટકા, હૈદરાબાદ, વારકાના નવાબ શાહ, મેંગ્રીયો પમ્પ સાઈટ સહિત અનેક સ્થળોએ ચક્કા-જામ : શરીફ ભીંસમાં
હૈદરાબાદ (સિંધ) : સિંધુ નદીના ઉત્તરના ભાગમાં બંધ બાંધી તેના સરોવરમાં એકત્રિત થતું જળ કેનાલ દ્વારા પંજાબમાં ઓલિસાન ડેઝર્ટમાં વહેવડાવવા સામે સમગ્ર સિંધમાં વ્યાપક વિરોધ જાગ્યો છે. કારણ કે તેથી સિંધમાં સિંધુનો જળ પ્રવાહ ઘટી જવા સંભવ છે.
પાકિસ્તાનની સમવાયતંત્ર સરકારના આ નિર્ણય સામે ખૈરપુરના બાબરબવ બાયપાસ પાસે વકીલોએ ધરણા શરૂ કરતાં નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર અટકી ગયો છે.
આ અંગે વકીલો તથા અન્ય નાગરિકોનાં જૂથોએ કહ્યું છે કે જયાં સુધી સમવાયતંત્રી સરકાર તેનો તે નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમારાં ધરણા ચાલુ રહેશે.
આ ઉપરાંત સિવિલ સોસાયટીઝ અને ટ્રાન્સપોર્ટવાળાઓએ કહ્યું છે કે, સિંધમાંથી એક પણ ટ્રક પંજાબમાં જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, અન્ય અનાજ ઉપરાંત, ચોખા માટે તો સમગ્ર પાકિસ્તાન સિંધ ઉપર આધારિત છે. હવે ચોખાની ગુણો લઈ જતી ટ્રક પંજાબમાં જશે નહીં તેથી થોડા સમયમાં જ ત્યાં ચોખાની તંગી ઊભી થવા સંભવ છે. તે સ્થિતિ ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનમાં પણ સર્વવ્યાપી ભીતિ છે. આ ઉપરાંત સિંધમાંથી આવતો કોઈપણ પ્રકારનો કાચો માલ પંજાબમાં જશે નહીં તેથી ત્યાંના ઉદ્યોગોને ફટકો પડવા સંભવ છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીના જ પ્રદેશ ખૈરપુરમાં તો સજ્જડ બંધ રહ્યો છે. ઉપરાંત ઘોટકા, હૈદરાબાદ (સિંધ), બારકાના, નવાબશાહ, મેંગ્રીયો પમ્મસાઇટ સહિત અનેક સ્થળોએ વકીલો અને અન્ય નાગરિકોએ ચક્કાજામ કર્યા છે. તેઓે કહે છે સરકાર (ઇસ્લામાબાદ) આ નિર્ણય પાછો નહિં ખેંચે ત્યાં સુધી ચક્કા જામ ચાલુ રહેશે. સમગ્ર સિંધમાં શાળાઓ, કોલેજો અને ખાનગી વ્યાપારીઓ તેમજ સરકારી કચેરીઓ બંધ રહ્યા છે. આ સિલસિલો છેલ્લા ૯ દિવસથી ચાલુ રહેતાં ગુરુવારે વડાપ્રધાન શાહવાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઇસ્લામાબાદમાં બેઠક યોજી હતી તેમ જીયો ન્યુઝ જણાવે છે.