યુવા પેઢી બગડી રહી છે, પાકિસ્તાની સેનેટમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
યુવા પેઢી બગડી રહી છે, પાકિસ્તાની સેનેટમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ 1 - image


Image Source: Freepik

ઈસ્લામાબાદ, તા. 3 માર્ચ 2024

પાકિસ્તાની સેનેટમાં ફેસબૂક, યૂ ટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા માટે સેનેટમાં એક પ્રસ્તાવ રજૂ કરાયો છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સેનેટર બહરામંદ તાંગીએ આ પ્રસ્તાવ મુકયો છે. નોંધનીય છે કે, આ સેનેટ સભ્યની મુદત 11 માર્ચે પૂરી થઈ રહી છે. આ પ્રસ્તાવમાં એવુ બાલિશ કારણ રજૂ કરવામાં આવ્યુ છે કે, યુવા પેઢીને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી બચાવવા માટે આ પ્રકારનો પ્રતિબંધ લગાવવો જરુરી છે. યુવા પેઢીને સોશિયલ મીડિયા ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યુ છે. તેનો ઉપયોગ આપણા ધર્મ અને સંસ્કૃતિના વિરોધમાં થઈ રહ્યો છે. લોકો વચ્ચે તેના કારણે નફરત ફેલાઈ રહી છે.

સોમવારે આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. જોકે પ્રસ્તાવ મુકનાર તાંગીથી ખુદ તેમની પોતાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પોતાને અલગ કરી દીધી છે. તાજેતરમાં તાંગીને પાર્ટી વિરોધી હિલચાલના કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

તાંગીએ કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયાનો  ઉપયોગ દેશહિતમાં નથી. દેશના સુરક્ષા એજન્સીઓ સામે સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ વાયરલ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની તાજેતરની ચૂંટણીમાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા રહી હતી. જેલમાં પૂરાયેલા ઈમરાન ખાનની પાર્ટીના મોટાભાગના ઉમેદવારો સોશિયલ મીડિયાના કારણે  જ લોકો સુધી પહોંચી શક્યા હતા અને સૌથી વધારે ઉમેદવારો ચૂંટણીમાં જીત્યા હતા.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની માંગને પણ ઈમરાન ખાનની પાર્ટી પર દબાણ ઉભુ કરવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે.



Google NewsGoogle News