પાડોશી દેશ ભૂતાનમાં ભારત સમર્થક શેરિંગ ટોબગેની પાર્ટીની ચૂંટણીમાં જીત
થિમ્પૂ,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
ભૂતાનમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સંસદની ચૂંટણીમાં જીત મેળવી છે. ભારત માટે આ સારા સમાચાર છે. કારણકે પીડીપી પૂર્વ પીએમ શેરિંગ ટોબગેની પાર્ટી છે. જેઓ ભારતના સમર્થક મનાય છે.
ભૂતાનના સરકારી મીડિયાના કહેવા પ્રમાણે પીડીપીએ નેશનલ એસેમ્બલીની 47 બેઠકો પૈકી 30 બેઠકો પર જીત મેળવી છે અને હરિફ ભૂતાન ટ્રેંડેલ પાર્ટીને 17 બેઠકો મળી છે. હવે પીડીપીના શેરિંગ ટોરબે બીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે.
ભૂતાનની ચૂંટણીમાં પાંચ લાખ મતદારોએ મતદાન કર્યુ હતુ અને તેમાં પીડીપી તેમજ બીટીપી સિવાયની બાકીની પાર્ટીઓનો સફાયો થઈ ગયો હતો. જેમાં સત્તાધારી ડાબેરી નેતા ડ્રૂક ન્યામરૂપ ત્શોગ્પા પાર્ટીનો પણ સમાવેશ થતો હતો.
ભૂતાનમાં 2008માં રાજાશાહી સમાપ્ત થયા બાદ સંસદીય ચૂંટણીની વ્યવસ્થા લાગુ થયા બાદ આ ચોથી ચૂંટણી યોજાઈ છે.
58 વર્ષીય ટોબગે ફરી પીએમ બનવા જઈ રહ્યા છે. ભૂતાનની પહેલી સંસદમાં તેઓ વિપક્ષી નેતા હતા. 2013માં તેઓ ચૂંટણી જીતીને દેશના વડાપ્રધાન બન્યા હતા. 2018માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. ટોબગે વિદેશમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચુકેલા છે અને રાજકારણમાં આવતા પહેલા તેઓ સરકારમાં અધિકારી તરીકે કામ કરી ચુકયા છે.
ટોબગેનો ઝુકાવ હંમેશા ભારત તરફી રહ્યો છે. ચૂંટણી જીત્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોબગેને અભિનંદન આપ્યા હતા અને કહ્યુ હતુ કે, મારા મિત્રને ચૂંટણી જીતવા બદલ અભિનંદન, બંને દેશોના સબંધોને વધારે મજબૂત કરવા માટે હું ફરી તમારી સાથે મળીને કામ કરવા માટે આતુર છું.