દરિયામાં બે થાંભલા પર ટકેલો વિશ્વનો સૌથી નાનો દેશ, ક્ષેત્રફળ અડધા કિ.મી.થી પણ ઓછું
વિશ્વના સૌથી નાના દેશની અર્થવ્યવસ્થા લોકોને દાન પર નિર્ભર
આ નાનકડા દેશમાં વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ ફરવા પણ આવે છે
નવી દિલ્હી, તા. 9 નવેમ્બર 2022, બુધવાર
વિશ્વભરમાં ઘણા નાના-મોટા દેશો છે. આપણો દેશ ભારત ક્ષેત્રફળ મુજબ વિશ્વનો 7મો સૌથી મોટો દેશ છે. તો ચીન વિશ્વનો સૌથી મોટો દેશ છે. જોકે વિશ્વમાં એવો પણ દેશ છે જેનું ક્ષેત્રફળ માત્ર એક બાસ્કેટબોલ મેદાન જેટલું છે. આ દેશ સમુદ્રની વચ્ચો વચ્ચ આવેલો છે. ચોંકવાનારી વાત તો એ છે કે, આ આખો દેશ માત્ર બે થાંભલા પર ટકેલો છે અને અહીંની કાયદો વ્યવસ્થા પણ અલગ છે. અહીંની વસ્તી પણ માત્ર 50થી ઓછી છે.
સમુદ્રને વચ્ચે વસેલો નાનો દેશ
બ્રિટનની પાસે આવેલા આ દેશનું નામ સીલેન્ડ છે. બ્રિટનના સફોલ્ક દરિયાઇ કિનારાથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલો આ દેશ એક ખંડેર થયેલા થાંભલા પર આવેલો છે. બ્રિટને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ કિલ્લાને હથિયારો રાખવા માટે બનાવ્યો હતો. આ દેશ બ્રિટનની સરહદની બહાર હોવાથી તેને તોડવાનો હતો. જોકે તેને તોડવામાં આવ્યો નથી. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2002માં થયેલી વસ્તી ગણતરી મુજબ સીલેન્ડ દેશની કુલ વસ્તી 27 છે.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનવાયો હતો આ કિલ્લો
સીલેન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર 1950ના દાયકાની શરૂઆતમાં બ્રિટિશ સેનાએ આ દરિયાઇ કિલ્લાઓને છોડી દીધો હતો. જે સમયે વિશ્વમાં કટોકટી સર્જાઈ હતી ત્યારે આંતરરાષ્ટ્રીય સીમામાં તેમના દ્વારા થયેલા ગેરકાયદેસર નિર્માણના કારણે આ કિલ્લાને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તોડી પાડવો જોઈએ. જોકે માત્ર સીલેન્ડવાળા કિલ્લા સિવાય અન્ય તમામ કિલ્લાઓ ધ્વસ્ત કરી દેવાયા હતા. આવા દેશોને માઈક્રો નેશન કહેવામાં આવે છે અને આવા દેશોને આંતરરાષ્ટ્રીય માન્યતા મળતી નથી.
સીલેન્ડ આવી રીતે બન્યો સ્વતંત્ર દેશ
60ના દાયકાની શરૂઆતમાં બ્રિટિશ આર્મીના મેજર રોય બેટ્સે અહીં 'નૉક જૉન' નામથી રેડિયો સ્ટેશનની સ્થાપના કરી. રોયનું સ્ટેશન પાઇરેટ રેડિયો સ્ટેશન તરીકે જાણીતું હતું અને બ્રિટિશ લોકોને આ રેડિયો સ્ટેશન ખૂબ ગમતું હતું. આ રેડિયો સ્ટેશન પર પૉપ સંગીત અને અન્ય મનોરંજક કાર્યક્રમો પ્રસારિત કરાતા હ તા. જોકે રોય બેટ્સ અને બ્રિટન સરકાર વચ્ચે વિવાદ થયો અને કાયદાની લડાઈ શરૂ થઈ. બ્રિટને આ કિલ્લા પર ગેરકાયદે કબજા અંગે સવાલ ઉઠાવ્યા હતા. બ્રિટને જણાવ્યું કે, આ કિલ્લો તેમના અધિકારક્ષેત્રમાં આવે છે. આ વિવાદે વચ્ચે રોયે રેડિયો સ્ટેશન પણ બંધ કરી દીધું, પરંતુ 1966માં ક્રિસમસ પર રોયે આ રેડિયો સ્ટેશન ફરી શરૂ કર્યું હતું. તેમના વકીલોની સલાહ લીધા બાદ રોયે આ કિલ્લાના ટાપુને 'સીલેન્ડ'ના સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો. 1967માં સીલેન્ડનો અલગ રાષ્ટ્રધ્વજ પણ બહાર પાડવામાં આવ્યો હતો.
મામલો બ્રિટિશ કોર્ટમાં પહોંચ્યો
આ ઘટનાક્રમ વચ્ચે સીલેન્ડનું સ્વતંત્ર રાજ્ય જાહેર કરવું બ્રિટનને સ્વીકાર્ય ન હતું. બ્રિટિશ સરકારે દરિયાઈ કિલ્લાઓ તોડી પાડવાનો આદેશ આપ્યો. સેનાએ સીલેન્ડને નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. રોય અને તેમનો પરિવાર બ્રિટિશ નાગરિક હોવાથી તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં લાંબી ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે સીલેન્ડ દેશ બ્રિટનની બોર્ડર વિસ્તારમાં આવતો નથી, તેથી બ્રિટનની અદાલતોનો સીલેન્ડમાં કોઈ અધિકાર નથી. આ કેસમાં નિર્ણય આવ્યા બાદ સીલેન્ડની આ પ્રથમ સત્તાવાર માન્યતા હતી.
દાનથી ચાલે છે સીલેન્ડનું અર્થવ્યવસ્થા
9 ઓક્ટોબર 2012ના રોજ રોય બેટ્સે પોતાને સીલેન્ડના રાજકુમાર જાહેર કર્યા. રોય બેટ્સના મૃત્યુ બાદ તેમના પુત્ર માઇકલના હાથમાં શાસન આવ્યું. સીલેન્ડનું ક્ષેત્રફળ 250 મીટર (0.25 કિમી) છે. આ ખંડેર કિલ્લાને સીલેન્ડ તેમજ રફ ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશમાં આવકનો કોઈ સ્ત્રોત નથી. જ્યારે પહેલીવાર લોકોને ઈન્ટરનેટ દ્વારા આ નાના દેશ અંગે ખબર પડી તો લોકોએ આ દેશને દાન આપવાનું શરૂ કર્યું. ફેસબૂક પર પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડના નામે એક પેજ પણ છે, જે ઘણું ફેમસ છે. જોકે હવે દુનિયાભરમાંથી ઘણા પ્રવાસીઓ અહીં ફરવા જાય છે.