ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે PM મોદી, ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પનું આમંત્રણ
PM Modi to visit White House in February: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પીએમ મોદી વચ્ચેની મિત્રતા ખૂબ જ ગાઢ છે. જયારે ટ્રમ્પ રાષ્ટપતિ બન્યા ત્યારે પીએમ મોદીએ તેમની સાથે તત્કાલ વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોમવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.
પીએમ મોદીની વ્હાઈટ હાઉસની મુલાકાત અંગે ટ્રમ્પે આપી જાણકારી
બંને વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવાવા પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ મોદી સાથે ટ્રમ્પની આ પ્રથમ વાતચીત હતી. ટ્રમ્પે પોતે ફોન પર શું થયું તેની પુષ્ટિ કરી હતી. સોમવારે જ્યારે તેઓ ફ્લોરિડાથી 'જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ' પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે એરફોર્સ વન પ્લેનમાં પત્રકારોને કહ્યું, 'આજે સવારે (સોમવારે) મેં પીએમ મોદી સાથે લાંબી વાતચીત કરી. તે કદાચ આવતા મહિને ફેબ્રુઆરીમાં 'વ્હાઈટ હાઉસ'ની મુલાકાત લેશે.'
પીએમ મોદી સાથે ટ્રમ્પના મૈત્રીપૂર્ણ સંબંધો
સોમવારે જ્યારે વડાપ્રધાન મોદી સાથે ફોન પર થયેલી વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે, 'ભારત સાથે અમારા ખૂબ જ સારા સંબંધ છે. મોદીજી સાથેની ફોન પરની વાતચીત દરમિયાન અમે લગભગ દરેક મુદ્દે ચર્ચા કરી.
આ પણ વાંચો: માઉન્ટ એવરેસ્ટ કરતાં 100 ગણા ઊંચા અને 1 અબજ વર્ષ જૂના પર્વતની શોધ
જો ટ્રમ્પની વિદેશ યાત્રાની વાત કરીએ તો તેમના રાષ્ટ્રપતિ તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન તેમની છેલ્લી વિદેશ યાત્રા ભારતમાં રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંનેએ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં બે અલગ-અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા. નવેમ્બર 2024ની ચૂંટણીમાં ટ્રમ્પની શાનદાર જીત પછી, પીએમ મોદીએ તેમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.