વડાપ્રધાન મોદીનું લાઓસમાં 'રેડ કાર્પેટ' સ્વાગત, વિમાન ગૃહે ભારતવંશીઓએ ઉત્સાહભેર આવકાર્યા
- ઇસ્ટ એશિયા સમિટ, આસીયાન બેઠકને મોદી સંબોધશે
- વિમાનગૃહે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના ગૃહમંત્રીએ સ્વાગત કર્યું : હોટેલ ડબલ ટ્રી ખાતે લાઓશ્યન રામાયણની નૃત્ય નાટિકા નિહાળી
વિયેન્તિએન : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાયોસની બે દિવસની મુલાકાતે આજે સવારે અહીંયા આવી પહોંચતા વિમાન ગૃહે તેઓનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું, તેઓને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના ગૃહમંત્રી વિલયપોંગ બૌદ્ધયામે આવકાર્યા હતા. તે સમયે પણ ત્યાં ઉપસ્થિત ભારતવંશીઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તે પછી મોદી હોટેલ ડબલ ટ્રી પહોંચ્યા ત્યારે ભારતવંશીઓએ લાઓશ્યન રામાયણના કાંડોના કેટલાક ભાગોને કેન્દ્રમાં રાખી નૃત્ય નાટિકા દ્વારા સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે લાઓશ્યન રામાયણ મૂળ વાલ્મિકી રામાયણ કરતાં થોડું અલગ છે. ૧૬મી સદીમાં બૌદ્ધ સાધુઓ ફ્રૂલક ફ્રલમ તરીકે ઓળખાતું આ રામાયણ લાઓસમાં લાવ્યા હતા.
૧૦-૧૧ ઓક્ટોબરના બે દિવસ અહીં પાળનારી ૨૧મી આસીયન ઇંડીયા અને ૧૯મી ઇસ્ટ એશિયા શિખર પરિષદમાં નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. તે માટે લાઓસના વડા પ્રધાન સોનેક્ષય સિમાન્ડોને તેઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.
દિલ્હીનાં વિમાનગૃહેથી, લાઓસ જતાં પૂર્વે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે હું લાઓસના વડાપ્રધાનનાં આમંત્રણને માન આપી ૨૧મી આસીયાન ઇંડીયા શિખર પરિષદમાં તેમજ ૧૯મી ઇસ્ટ એશિયા શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જઇ રહ્યો છું.
તેઓએ વધુમાં કહ્યું કે આ વર્ષ ભારતની એક્ટ ઇંડીયા પોલીસીની દશાબ્દીનું વર્ષ છે. હું આસીયાન દેશોના નેતાઓને મળી સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી ક્ષેત્રે થયેલી પ્રગતિ તથા ભાવિ દિશા વિષે ચર્ચા કરીશ. આ શિખર પરિષદ તેમજ ઇસ્ટ એશિયા શિખર પરિષદમાં ઇન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સમક્ષ ઉભા થયેલા પડકારો તથા આ વિસ્તારની સમૃદ્ધિ વધારવા માટે કરાનારા પ્રયાસોથી ચર્ચા કરવામાં આવશે.
ઇન્ડી-પેસિફિક વિસ્તારમાં ચીનની વધી રહેલી દાદાગીરી સંદર્ભે આ વિસ્તારના દેશો સાથે મજબૂત સંબંધો બાંધવાની અનિવાર્યતાની દ્રષ્ટિએ મોદીની આ મુલાકાતનું મહત્વ ઘણું છે. આ વિસ્તારના કમ્બોડિયા સિવાયના લગભગ તમામ દેશો ચીનની વિરૂદ્ધ છે. તેથી તેઓ ભારત ઉપર આશા બાંધી રહ્યા છે. તે ઉલ્લેખનીય છે. મોદીની આ મુલાકાતથી તે પરિષદોને ઉપસ્થિત રહેનારા દેશોને હૂંફ તો ચોક્કસ મળશે તેમ નિરીક્ષકોનું કહેવું છે.