વડાપ્રધાન મોદીએ આભાર માનવા સાથે યુદ્ધ બંધ કરવા નેતાન્યાહૂને અનુરોધ કર્યો
- ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નેતન્યાહુનો શુભેચ્છા સંદેશો
- ઇઝરાયેલ ઇરાન વચ્ચે પણ તંગદિલી વધતાં મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. મોદીએ સૌને શાંતિ રાખવા અપીલ કરી છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (તા. ૧૬ ઓગસ્ટે) ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, ૧૫મી ઓગસ્ટે પાઠવેલા શુભેચ્છા સંદેશ અંગે આભાર માનવા સાથે તેઓનો યુદ્ધમાં મદ્યાંતર રાખી છેવટે યુદ્ધ બંધ કરવા અનુરોધ કર્યો હતો.
આ માહિતી આપતાં વડાપ્રધાનનાં કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને બંધકોને છોડાવવાના પ્રયત્નો ચાલુ રાખવાં સાથે પરિસ્થિતિને થાળે પાડવા નેતન્યાહૂને ભારપૂર્વક કહ્યું હતું.
વાસ્તવમાં, હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહની તહેરાનમાં થયેલી હત્યા માટે ઇરાને ઇઝરાયેલને જ જવાબદાર ગણી કહ્યું હતું કે યોગ્ય સમય અને સ્થળે તે આ હત્યાનો બરોબરનો જવાબ આપશે.
સહજ છે કે આ સાથે મધ્યપૂર્વમાં વ્યાપક યુદ્ધની સ્થિતિ ઉપસ્થિત થાય જ. તેમાં ઇઝારયલથી ઉત્તરમાં ઇરાનનાં પીઠબળવાળાં હીઝબુલ્લાહ દક્ષિણ લેબેનોનમાંથી હુમલા કરી રહ્યા છે. હમાસે પણ ઇઝરાયલનાં પાટનગર તેલ અવિવ ઉપર રોકેટ અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલી સૈન્યની ટુકડીઓ ઉપર હમાસ એમ-૯૦ પ્રકારનાં રોકેટ હુમલા કરી રહ્યા છે. તેમણે તેલ અવીવ ઉપર પણ એમ-૯૦ રોકેટસ છોડયાં હતાં પરંતુ તે અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યાં. માત્ર બે વાર રોકેટસ તેલ અવિવના બાહ્ય વિસ્તારો પર પડયાં.
આમ આ યુદ્ધનો કોઈ અંત અત્યારે દેખાતો નથી. ઇઝરાયલને તો અમેરિકા અને યુરોપના દેશો સ્ટીમરો ભરીને શસ્ત્રો આપે છે. ઇઝરાયલે વળતા પ્રહારોમાં કશું બાકી નથી રાખ્યું તે સંયોગોમાં મધ્યપૂર્વના પ્રદેશમાં ક્યારે દાવાનળ ફાટી નીકળે તે કહેવાય તેમ નથી. તેવે સમયે મોદીનો શાંતિનો સંદેશો ઉલ્લેખનીય બની રહ્યો છે.