પ્રમુખ સાથી દેશોનો આદર કરે છે : બાયડેનની ઝેનોફોબિયા ટીકા અંગે વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા
- બાયડેને બુધવારે કહ્યું હતું કે : કટ્ટર-રાષ્ટ્રવાદને લીધે ભારત, જાપાન, ચીન અને રશિયા ઉત્કર્ષ સાધી શક્યા નથી કારણ કે તેઓ વસાહતીઓને આવકારતા નથી
વોશિંગ્ટન : પ્રમુખ જો બાયડેને, ભારત, જાપાન, ચીન અને રશિયા વિષે ટીકા કરતાં કહ્યું હતું કે, તે દેશો એટલા માટે ઉત્કર્ષ સાધી શક્યા નથી કારણ કે તેઓ કટ્ટર રાષ્ટ્રવાદ (ઝેનોફોબિયા) ધરાવે છે. પ્રમુખના આ વિધાનોએ ખળભળાટ ઉભો કરતાં પ્રમુખનો બચાવ કરતાં વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરિન જીન પીર્ટેએ કહ્યું હતું કે, વાસ્તવમાં પ્રમુખે સામાન્ય અર્થમાં તે ટીપ્પણી કરી હતી. વાસ્તવમાં પ્રમુખને સાથી દેશો પ્રત્યે ઘણો જ આદર છે.
તેઓએ વધુમાં કહ્યું, અમારા સાથી દેશો અને સહભાગીઓ બહુ જ સારી રીતે જાણે છે કે, પ્રમુખ તેઓને કેટલો આદર આપે છે. વ્યાપક રીતે જોઈએ તો અમેરિકા પોતે જ વસાહતિઓનો દેશ છે અને અહીં આવીને વસેલા અન્ય દેશોના વસાહતીઓએ તો આ દેશને બળવાન બનાવ્યો છે.
વ્હાઇટ હાઉસ પ્રવકતાને આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડી હતી કે બાયડેને તેઓની બુધવારની ટિપ્પણીમાં ભારત અને જાપાનને જેઓ ક્વોડ સમુહના સભ્યો છે તેમને પણ રશિયા અને ચાયના સાથે મુલવતા કહ્યું હતું કે તે દેશો ઉત્કર્ષ એટલા માટે નથી સાધી શક્યા કારણ કે તેઓ વસાહતીઓને આવકારતા નથી. જ્યારે અમેરિકા વસાહતીઓને આવકારે છે. વાસ્તવમાં અમેરિકા (યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા) યુ.એસ.એ. સ્વયં વસાહતીઓનો જ દેશ છે.
ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર જો બાયડેને ફરી એક વખત ચૂંટાવા માટે સ્પર્ધામાં ઉતર્યા છે ત્યારે એક ફંડ રેઇઝિંગ સભામા આપેલા વક્તવ્યમાં પ્રમુખે વસાહતીઓ અંગે ઉક્ત દેશોના વલણની ટીકા કરી હતી. ૮૧ વર્ષના બાયડેનની સામે ૭૭ વર્ષના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટી તરફથી સ્પર્ધામાં છે.
વર્તમાન પ્રમુખ (ડેમોક્રેટ) જો બાયડેન અને તેમની પાર્ટી વસાહતીઓ આવકારવા માગે છે. તો બીજી તરફ તેમના સ્પર્ધક ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પાર્ટી (રીપબ્લિકન) વસાહતીઓ અંગે કટ્ટર વિરોધ કરી રહ્યા છે.
બાયડેને આ વક્તવ્યમાં ચીન ઉપર સૌથી વધુ ભાર મુકયો હતો અને કહ્યું હતું કે ચીન (આર્થિક રીતે) શા માટે ભારે મુશ્કેલી અનુભવે છે તેનું કારણ તેનો ઝેનોફોબિયા છે. તેવું જ જાપાન, ભારત અને રશિયાનું છે.
નિરીક્ષકો કહે છે કે બાયડેન આ રીતે અમેરિકાની કુલ વસ્તીના ૧૪% ધરાવે છે તેઓ મહદઅંશે બાયડેન તરફે વળવા સંભવ છે. તેથી નવેમ્બરની ચૂંટણીમાં બાયડેનના વિજયની પૂરી શકયતા દેખાય છે.