પ્રમુખ મોઇજ્જુએ જનતા સમક્ષ દેવાંનાં રોદણાં રોયાં
- ભારત સાથે સંબંધો બગાડવા માલદીવને મોંઘા પડયા
- ચીનનાં દેવામાં ડૂબેલું માલદીવ હવે વિકાસ કાર્યો કરી શકે તેમ નથી : છેલ્લા ઉપાય તરીકે આઈ.એમ.એફ. અને વર્લ્ડ બેન્ક પાસે લોન માગે છે
માલે : ભારત સાથે સંબંધો બગાડવા હવે માલદીવને ભારે પડી રહ્યા છે. માલદીવનાં અર્થતંત્રમાં સૌથી મોટો ભાગ પ્રવાસનનો છે. પરંતુ ભારત સાથેના સંબંધો બગાડવાથી ભારતીય પર્યટકોે માલદીવનો બહિષ્કાર કર્યો છે. તેથી માલદીવની આવક ઉપર ભારે મોટો ફટકો પડયો છે. માલદીવ આવતા કુલ પર્યટકોનાં ૬૦ ટકા તો ભારતીય પર્યટકો છે. તેથી તેની હોટેલ ઇન્ડસ્ટ્રીને પણ ફટકો પડયો છે. આમ દેશમાં કુલ આવક ઘટતાં કેટલીએ પરિયોજનાઓ ખોરંભે પડી છે.
દેશની આટલી ખરાબ આર્થિક પરિસ્થિતિ માટે, પ્રમુખ મોઇજ્જુએ પૂર્વેની સરકારને જવાબદાર ઠેરાવી છે. પરંતુ, તે માનવા કોઈ તૈયાર નથી. તેની સંસદમાં શાસકપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે છુટ્ટા હાથે મારામારી અને લાતંલાત થઇ ગયાં હતાં.
પરંતુ 'ઇંડીયા આઉટ'નો નારો આપી ચૂંટણી જીતનાર પ્રમુખ મોઇજ્જુએ દ્વિપ સમુહના એક દ્વિપ ગુરૈધુના પ્રવાસ દરમિયાન ખુલ્લાં મને કહ્યું હતું કે આગામી બે મહિના તો, સૌથી કઠણ રહેશે. પરંતુ, હું આવક વધારવા પૂરી ઇમાનદારીથી પ્રયત્નો કરૃં છું. ઉલ્લેખનીય છે કે માલદીવને અનાજ વિદેશથી જ આયાત કરવું પડે છે. કાપડ પણ આયાત કરવું પડે છે. મકાન બાંધકામ માટે અનિવાર્ય તેવાં સ્ટીલ સીમેન્ટ વગેરે આયાત કરવાં પડે છે. આ સર્વે તે મહ્દઅંશે ભારતથી જ આયાત કરતું હતું. ચીનથી આયાત થઇ શકે, પરંતુ હોંગકોંગ અને માલે વચ્ચે જ એટલું અંતર છે કે ચીનથી આયાત થતો માલ વહન ખર્ચ સાથેનો મોંઘો પડે તેમ છે. તેથી તેવો ચીન પાસે લોન માગી ચીને આપી પણ ખરી પરંતુ હવે તેના હપ્તા ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નથી. કારણ કે, આવક જ લગભગ નહીંવત છે. બીજી તરફ ચીન હવે ઊઘરાણી કરે છે. તે પણ ઘણી કડક થતી જાય છે. આથી મોઇજ્જુએ આઈએમએફ તથા વર્લ્ડ બેન્ક પાસે લોન માગી છે. તેઓ સહમત થયા છે પરંતુ તે શરતે કે પહેલાં તમે તમારાં અર્થતંત્રને સુધારો.
નિરીક્ષકો કહે છે વર્લ્ડ બેન્ક અને આઈએમએફ ઉપર અમેરિકાને પશ્ચિમના દેશો સાથે પૂરો પ્રભાવ છે. તેઓ કદાચ પહેલી શરત તે જ મુકશે કે તમે ચીન પરસ્તી બંધ કરો. તે થાય ત્યારે પણ અત્યારે તો સુનામી સમયે માલદીવને અનાજ ઉપરાંત લાખો બોટલ પિવાનું પાણી નિ:શુલ્ક પૂરાં પાડનાર ભારત સાથે સંબંધો બગાડવા માલદીવને મોંઘા પડયા છે તે સત્ય છે.