ઈરાનને યુદ્ધમાં ધકેલવાનું કાવતરું ઘડી રહ્યું ઈઝરાયલ: ઈરાની પ્રમુખ પેજેશ્કિયનનું નિવેદન
Iran-Israel: ઈરાનના નવા પ્રમુખ મસૂદ પેજેશ્કિયને સોમવારે ઈઝરાયલ પર પશ્ચિમ એશિયામાં એક મોટા યુદ્ધને ભડકાવવાનો અને તેહરાનને મોટા યુદ્ધમાં ધકેલવા માટે જાળ બિછાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લગભગ 2 ડર્ઝન મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, ઈરાન ગાઝામાં ચાલી રહેલ યુદ્ધ અને ઈઝરાયલ-લેબનોન સરહદ પર હવાઈ હુમલાનો વિસ્તાર નથી ઈચ્છતું.
અમે યુદ્ધ નથી ઈચ્છતાં: ઈરાન
પેજેશ્કિયને કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતાં. ઈઝરાયલ બધાને યુદ્ધમાં ધકેલવા અને ક્ષેત્રને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે અમને એક એવા મોડ પર લઈ જઈ રહ્યું છે, જ્યાં અમે જવા નથી માગતા. આ પહેલી વખત છે જ્યારે 70 વર્ષીય ઈરાની નેતા કોઈ ઈન્ટરનેશનલ મંચ પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તેઓ આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક સભામાં ભાગ લઈ રહ્યા છે. હાલમાં ઈઝરાયલ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે.
લેબનોનમાં પેજર્સ અને વોકી-ટોકી બ્લાસ્ટ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું
તેમણે આગળ કહ્યું કે, ઈઝરાયલ દાવો કરી રહ્યું છે કે, અમે વ્યાપક યુદ્ધ નથી ઈચ્છતાં પરંતુ તેમની ગતિવિધિઓ તેનાથી બિલ્કુલ વિપરીત છે. તેમણે ગત અઠવાડિયે લેબનોનમાં પેજર્સ અને વોકી-ટોકી બ્લાસ્ટનો પણ ઉલ્લેખ કર્યો. તેના માટે તેમણે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું. આ ઉપરાંત 31 જુલાઈના રોજ તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો.
ઈરાની પ્રમુખે આગળ કહ્યું કે, ઈરાને ઈઝરાયલ પર એપ્રિલમાં કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલામાં પોતાની રક્ષા ક્ષમતા સાબિત કરી છે. ઈરાન પશ્ચિમ એશિયાને અસ્થિર કરવાનો પ્રયાસ નથી કરી રહ્યું. જો ઈઝરાયલ પોતાના હથિયાર છોડવા માટે તૈયાર છે તો અમે પણ તેવું કરવા માટે તૈયાર છીએ.