Get The App

H1B વિઝા, બ્રિક્સ, રશિયા...: ભારત માટે પડકારજનક હશે ટ્રમ્પનો બીજો કાર્યકાળ, જાણો 5 કારણ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
USA President Donald Trump


USA President Donald Trump: ભારતના મિત્ર દેશ અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આવ્યા બાદ ભારત પ્રત્યે કેવું વલણ અપનાવશે તેની ચર્ચાઓ વેગવાન બની છે. ટ્રમ્પના BRICS દેશોને ધમકી, સિટીઝનશીપના કાયદામાં ફેરફાર, કડક ઇમિગ્રેશન પોલિસી, અમેરિકા ફર્સ્ટ પોલિસી જેવા અનેક મુદ્દાઓ પર મહત્ત્વના નિર્ણયો પર સૌ કોઈની નજર છે.

અમેરિકા ફર્સ્ટ પોલિસી

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલિસી ઘણા દેશો માટે આફત બની શકે છે. ટ્રમ્પે અવારનવાર ભાષણમાં મેક અમેરિકા ગ્રેટ અગેનનો ઉચ્ચાર કર્યો છે. સોમવારે સંબોધનમાં પણ તમામ આર્થિક ગતિવિધિઓ સંબંધિત નિર્ણયોમાં અમેરિકા ફોક્સમાં રહ્યું હતું. ભારત અને અમેરિકા વિશ્વના બે મોટા ટ્રેડિંગ પાર્ટનર છે. 2022માં અમેરિકા અને ભારત વચ્ચે વેપારનો આંકડો 191.8 અબજ ડૉલરનો હતો. અમેરિકાએ આ વર્ષે ભારતમાં 73 અબજ ડૉલરની નિકાસ અને 118.8 અબજ ડૉલરની આયાત કરી હતી.

ટેરિફની ભીતિ

ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે, ભારત અમારા સામાન પર વધુ ટેરિફ લગાવી રહ્યું છે. ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જો ટ્રમ્પ ભારત માટે પણ આ પ્રકારનું પગલું ઉઠાવે તો નિકાસ પર અસર થવાની ભીતિ છે. અગાઉ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં અમેરિકાએ ભારતમાંથી જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરેન્સિસ પરત ખેંચ્યું હતું. જેનાથી વેપાર પર પ્રતિકૂળ અસરો થઈ હતી.

આ પણ વાંચોઃ કેનાલ પર અમારો કબજો છે અને રહેશે', ટ્રમ્પના એલાન પર ભડક્યાં પનામાના રાષ્ટ્રપતિ

રૂપિયો નબળો બનશે?

ટ્રમ્પની ફુગાવા તરફી નીતિઓના કારણે ડૉલર વધુ મજબૂત બની શકે છે. જેના લીધે રૂપિયો નબળો પડવાની ભીતિ છે. હાલ ડૉલર સામે રૂપિયો ઓલટાઇમ લો સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નબળો રૂપિયા આયાત ખર્ચ વધારશે. જેનાથી મોંઘવારી વધવાની ભીતિ છે. અમેરિકામાં 2022માં એફડીઆઇ 3.7 અબજ ડૉલર નોંધાઈ હતી. જે 2021માં 7 ટકાથી વધુ હતી. ડૉલરની કિંમત વધતાં ભારત માટે રોકાણ મોંઘું બનશે.

બ્રિક્સ પર કડક વલણ

બ્રિક્સ દેશો નાણાકીય વ્યવહારો ડૉલરમાં કરવાના પ્રભુત્વને તોડવા માગે છે. તેઓ વૈકલ્પિક કરન્સી પર વિચાર કરી રહ્યા છે. આ નિર્ણય અમેરિકાને ખૂંચી રહ્યો છે. ભારત બ્રિક્સનો સંસ્થાપક સભ્ય છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર તીખા પ્રહારો કર્યા છે કે, બ્રિક્સ રાષ્ટ્રના રૂપમાં...જો તેઓ પોતાના વિચાર અનુસાર, કામ કરવા અંગે વિચારી રહ્યા છે. તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

ઈરાન-રશિયા પર પ્રતિબંધની અસર

અમેરિકાએ રશિયા અને ઈરાન સાથે ક્રૂડ વ્યવહારો પર પ્રતિબંધો મૂક્યા છે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. ક્રૂડ વપરાશમાં 80 ટકા આયાત પર નિર્ભર ભારત પર અમેરિકાનો આ નિર્ણય પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે અસર કરે છે. જો કે, ભારતે પોતાના હિત મુજબ આ બંને દેશોમાંથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. જેની અમેરિકા સાથેના સંબંધો પર વિપરિત અસર પડી શકે છે.

એચ-1બી વિઝા, ઇમિગ્રેશન અને સિટીઝનશીપ

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પર આકરું વલણ દર્શાવ્યું છે. તેમની અમેરિકા ફર્સ્ટ પોલિસી એચ-1બી વિઝા પર નકારાત્મક અસર કરી શકે છે. એચ1બી વિઝા માટે લઘુત્તમ પગાર મર્યાદા બમણી કરવાનો પ્રસ્તાવ છે. જે હાલ 60000 ડૉલરથી વધી 1,20,000 પ્રતિ વર્ષ થઈ શકે છે. પરિણામે કંપનીઓ એચ-1બી વિઝામાં ઘટાડો કરશે. વધુમાં ટ્રમ્પ જન્મ સાથે નાગરિકતાનો કાયદો દૂર કરવાની હિમાયત કરી રહ્યા હતા. જો આ કાયદો દૂર થશે તો અમેરિકામાં વસતા લાખો ભારતીયો પર અસર થઈ શકે છે. આ પ્રસ્તાવ અમેરિકાના બંધારણના 14મા સંશોધનની વિરુદ્ધમાં છે.

H1B વિઝા, બ્રિક્સ, રશિયા...: ભારત માટે પડકારજનક હશે ટ્રમ્પનો બીજો કાર્યકાળ, જાણો 5 કારણ 2 - image


Google NewsGoogle News