ગાઝાને અમે વેરાન ટાપુમાં ફેરવી નાંખીશું, અહીં રહેતા લોકો સલામત સ્થળે ખસી જાયઃ નેતન્યાહૂની ચેતવણી
Image Source: Twitter
તેલ અવીવ, તા. 08 ઓક્ટોબર 2023
હમાસે કરેલા હુમલાથી ઈઝરાયેલ હચમચી ગયુ છે. ઈઝરાયેલે તાબડતોબ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરીને વળતો જવાબ આપવાનુ શરુ કરી દીધુ છે.
ઈઝરાયેલની સેના હમાસને એવો જવાબ આપવા માટે તૈયારી કરી રહી છે કે જેનાથી આ સંગઠન ફરી બેઠુ ના થાય. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ એલાન કર્યુ છે કે, અમે ગાઝા પટ્ટીને વેરાન ટાપુ બનાવી દઈશું. ઈઝરાયેલ પર હુમલા માટે જવાબદાર લોકોએ તેની આકરી કિંમત ચૂકવવા તૈયાર રહેવુ પડશે.
તેમણે કહ્યુ છે કે, ગાઝામાં રહેતા લોકો આ વિસ્તાર છોડીને જતા રહે. ઈઝરાયેલ પર થયેલા હુમલામાં જેમણે પણ જીવ ગુમાવ્યા છે તે તમામ વતી બદલો લેવામાં આવશે. અમે ગાઝાને વેરાન ટાપુમાં બદલી નાંખીશું.હમાસના દરેક આશ્રય સ્થાનને ટાર્ગેટ કરવામાં આવશે. હું ગાઝાના નાગરિકોને કહી રહ્યો છે કે, તેઓ જતા રહે. કારણકે અમે ગાઝાનો ખૂણે ખૂણા પર હુમલા કરવાના છે.
દરમિયાન ગાઝામાં રહેતા લાખો લોકોએ ગઈકાલની રાત અંધારામાં પસાર કરી છે. કારણકે ઈઝરાયેલે વીજ પૂરવઠો ઠપ કરી નાંખ્યો છે. ઈઝરાયેલે આખી રાત બોમ્બ મારો ચાલુ રાખ્યો છે. જેમાં 232 લોકોના મોત થયા છે અને 1700 લોકો ઘાયલ થયા છે તેવુ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે.