સ્મશાનમાં આગ લગાવવાની ચાલતી હતી તૈયારીઓ, અચાનક જ મૃત મહિલા જીવતી થઇ
અચાનક શબમાં પ્રાણ પૂરાતા સજીવી સળવળાટથી લોકો ડરી ગયા
મહિલાને મૃત સમજીને શબવાહિનીમાં સ્મશાન લઇ જવાઇ હતી
નવી દિલ્હી, ૧૩ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
મૃત વ્યકિતને કફનમાં બાંધીને સ્મશાનમાં બાળવાની તૈયારીઓ થતી હતી ત્યારે અચાનક જ એક મહિલા જીવતી થઇ હોવાની ઘટના ઓડિશામાં બની છે. ઓડિશાના બહરામપુરમાં જે મહિલાને મૃત માનીને તેના સગા સંબંધીઓ સ્મશાને લઇ ગયા હતા તેમના આશ્ચર્યનો પાર રહયો ન હતો. ૫૨ વર્ષની મહિલા ચિતાદાહની થોડીક જ ક્ષણો પહેલા જીવંત થતા માહોલ બદલાઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ૫૪ વર્ષના સિબારામ પાલાની પત્ની બુબ્જી અમ્મા બેભાન થતા ભૂલથી મૃત માની લેવામાં આવી હતી. ૧ ફેબુ્આરીના રોજ એક આગ લાગતા દાઝવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શરીરનો ૫૦ ટકા જેટલો ભાગ બળ્યો હતો. પ્રાથમિક સારવાર કર્યા પછી વધુ સારવાર માટે નાણા ન હોવાથી ઘરે લાવવામાં આવી હતી. પતિ સિબારામે જણાવ્યું હતું કે સવારે જોયું તો બેશુધ્ધ અવસ્થામાં પડી હતી.
તેના શરીરમાં કોઇ પણ પ્રકારનું હલન ચલન જણાતું ન હતું. આવી પરિસ્થિતિમાં તેને મૃત સમજીને શબવાહિનીમાં સ્મશાન લઇ જવામાં આવી હતી.સ્મશાનમાં લાકડા મુકવાની તૈયારીઓ ચાલતી હતી. આ સમયે અચાનક જ શબમાં પ્રાણ પૂરાતા સજીવી સળવળાટ જોવા મળી હતી. મૃત મહિલા ઉભા થવા પ્રયાસ કરતા ઘડિક તો લોકો ડરી પણ ગયા હતા. છેવટે સજીવન થયેલી મહિલાને ઘરે લઇ જવામાં આવી હતી. અસામાન્ય લાગે તેવી ઘટના અંગે લોકૌ કૌતૂક પ્રગટ કરી રહયા છે.