Get The App

ઇમરાન ખાનની પાર્ટીની ''વિરોધ-કૂચ'' પૂર્વેથી ઇસ્લામાબાદમાં ''તાળાં-બંધ'' તૈયારીઓ થઈ હતી

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ઇમરાન ખાનની પાર્ટીની ''વિરોધ-કૂચ'' પૂર્વેથી ઇસ્લામાબાદમાં ''તાળાં-બંધ'' તૈયારીઓ થઈ હતી 1 - image


ખૈબર-પખ્તુનવાના મુ.મં.એ જ વિરોધ કૂચનું નેતૃત્વ લીધું

''ગુલામીની જંજીરો તોડી નાખો'' વિરોધીઓનું નવું સૂત્ર : સમગ્ર પાટનગરમાં જડબેસલાક બંધી : કલમ ૧૪૪ અમલી કરાઈ : છતાં રેલી નીકળતાં વ્યાપક ઘર્ષણ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને બંદીવાન કરાયાના વિરોધમાં આજે રવિવારે અહીં ૧ લાખથી વધુ લોકોની જબરજસ્ત રેલી નીકળી હતી. આંચકાજનક વાત તો તે છે કે આ રેલીનું નેતૃત્વ ખૈબર પુખ્તુનવાના મુખ્યમંત્રીએ જ લીધું હતું.

સરકારને પહેલેથી જ માહિતી હતી કે એક રેલી નીકળવાની છે, તેથી પહેલેથી જ જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

પાકિસ્તાનમાં જાહેર રજાનો દિવસ શુક્રવારનો છે. રવિવારે દુકાનો, સંસ્થાઓ કાર્યરત રહે છે. તેથી પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે, આજે સમગ્ર શહેરમાં કડક તાળાબંધી જાહેર કરી દુકાનો અને સંસ્થાઓને બંધ રાખવા હુકમ કર્યો હતો. પહેલાં તો ઈન્ટરનેટ આંશિક રીતે બંધ કરાયાં હતાં પરંતુ પછીથી સંપૂર્ણ બંધ કરી દીધાં. સમગ્ર શહેરમાં ૧૪૪મી કલમ પણ લાગુ પાડવામાં આવી હતી.

આમ છતાં ઇમરાનખાનની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ.ઈન્સાફ (પી.ટી.આઈ.) દ્વારા પાકિસ્તાન-બંધનાં એલાનને લીધે પીટીઆઈના હજ્જારો કાર્યકરો માર્ગ ઉપર ઉતરી પડયા હતા, અને તેઓની સાથે જનસામાન્ય પણ જોડાયાં હતાં. પરિણામે સરઘસમાં સંખ્યા ૧ લાખ જેટલી પહોંચી ગઈ હતી. તેણે પોલીસે ઠેર ઠેર મુકેલા રોડ-બ્લોક્સ તોડી આગળ વધતાં પોલીસ અને રેલીના સભ્યો વચ્ચે ઘમાસણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો આશ્રય લીધો. પરંતુ રેલીના નેતાઓએ આગે બઢો, ગુલામી કી જંજીરે તોડ દોના જબરજસ્ત નારા સાથે પોલીસો ઉપર જ વળતા હુમલા શરૂ કરી દીધા હતા.

આ રેલીમાં ઈમરાનખાનનાં પત્ની બુશરા-બીબી જોડાયાં ન હતા. તેઓએ કહ્યું કે તેવો ખૈબર-પખ્તુનવાના મુખ્યમંત્રી અલિ અમીન ગંડપુરનાં (ઇસ્લામાબાદ સ્થિત) નિવાસસ્થાને રહી તે રેલી જોશે.

સરકારની કઠોર તૈયારીઓ અને અત્યંત કડક પગલાંઓનો બચાવ કરતાં, પાકિસ્તાનનાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે કોર્ટનો જ હુકમ છે કે રસ્તા-રોકો-આંદોલન ચલાવી લેવાશે નહીં તેમજ રસ્તા પર બેસી કે ટ્રેનના પાટા પર બેસી વાહન-વ્યવહાર અટકાવવો ચલાવી નહીં લેવાય. આ હુકમનો જ અમે અમલ કરી રહ્યાં છીએ.

બીજી તરફ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા અને પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને એક નિવેદન પ્રસિદ્ધ કરી જનતા ને મુક્તિ અને ન્યાય માટે આંદોલન કરવા આદેશ આપ્યો હતો.

આ આંદોલનનું અન્ય કારણ તે પણ છે કે પાકિસ્તાનની મોટા ભાગની જનતા, ફેબુ્રઆરી ૮મીએ યોજાયેલી ચૂંટણીમાં ગોલમાલ કરાઈ હોવાનું માને છે, સાથે બીજો વિરોધ તે છે કે તાજેતરમાં પાકિસ્તાનનાં સંવિધાનમાં ૨૬મો સુધારો કરી, ન્યાયમૂર્તિઓની નિયુક્તિમાં ન્યાયમૂર્તિઓનાં કોલેજીયમને બદલે સંસદને જ સત્તા આપવામાં આવે તે તાર્કિક દ્રષ્ટિએ જ અયોગ્ય છે. જનતાનો-ખાસ કરીને બુદ્ધિજીવીઓનો તે સામે સખત વિરોધ છે, તેઓએ જનતાને સરકાર વિરુદ્ધ ઉશ્કેરી છે. તેમાં ઇમરાનખાનની ધરપકડે પલિતો ચાંપતાં દેશના જુદા જુદાં શહેરોમાંથી આઠ-દિવસ પૂર્વેથી લોકો સરઘસ આકારે પાટનગરમાં એકત્રિત થયા હતા અને આજે બપોરના ૩ વાગ્યાથી પ્રચંડ રેલી નીકળી હતી જેનું નેતૃત્વ ખૈબર પખ્તુનવાના મુખ્યમંત્રીએ લીધું હતું. તેઓ બપોરે ૩ વાગ્યા પહેલાં પેશાવરથી અહીં આવી પહોંચ્યા હતા.


Google NewsGoogle News