ઈન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પૂર્વ સંરક્ષણ મંત્રી આગળ, જીતનો દાવો પણ કરી દીધો
image : Twitter
જકાર્તા,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયામાં બુધવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ હતી.
એ પછી શરુ થયેલી મતગણતરી પ્રમાણે શરુઆતના ટ્રેન્ડમાં દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી પ્રબોવો સુબિયાંતો આગળ ચાલી રહ્યા છે. તેમણે પોતાની જીતની જાહેરાત પણ કરી દીધી છે. બિન સત્તાવાર અહેવાલો પ્રમાણે પ્રબોવો સુબિયાંતો પોતાના હરિફ ઉમેદવારો કરતા ઘણી વધારે સરસાઈથી આગળ ચાલી રહ્યા છે.
ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલા પ્રબોવો સુબિયાંતોને અત્યાર સુધી ગણાઈ ચુકેલા 85 ટકા વોટમાંથી 58 ટકા મત મળ્યા છે. જોકે ચૂંટણી પંચ દ્વારા વિજેતા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અન્ય ઉમેદવારો ગંજર તેમજ અનીસે પ્રબોવો સુબિયાંતોની જીતની જાહેરાતને વધારે પડતી વહેલી ગણાવીને લોકોને અંતિમ પરિણામો સુધી રાહ જોવા માટે અપીલ કરી છે. બંને નેતાઓએ કહ્યુ હતુ કે, ચૂંટણીમાં મોટા પાયે ગોટાળા થયા છે. જોકે તેમણે આ આરોપના સમર્થનમાં કોઈ પૂરાવા રજૂ કર્યા નથી.
પ્રબોવો સુબિયાંતો અગાઉ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.તેમના પર સુરક્ષા એજન્સીઓના ચીફ હોવાના નાતે માનવાધિકારોના ઉલ્લંઘનનો આરોપ લાગેલો છે. ઈન્ડોનેશિયાના ડિક્ટેટર શાસક સુહાર્તો તેમના સસરા થાય છે. સુબિયાંતો પરિવારનુ દેશના રાજકારણમાં વર્ચસ્વ અને ચંચૂપાત રહ્યો છે. તેમના પિતા દેશના દેશના પૂર્વ નાણા મંત્રી રહી ચુકયા છે. ઈન્ડોનેશિયાની સ્ટેટ બેન્કની સ્થાપના પ્રબોવો સુબિયાંતોના દાદાએ કરી હતી.
1970માં તેમણે મિલિટરી એકેડમીમાં એડમિશન લીધુ હતુ અને તેઓ આર્મી કમાન્ડર બન્યા હતા. પૂર્વીય તિમોર પર ઈન્ડોનેશિયાના કબ્જાના વિરોધમાં થયેલા બળવાને તેમણે ક્રુરતા પૂર્વક ડામી દીધો હતો. જોકે હવે પ્રબોવો સુબિયાંતોએ પોતાને લોકશાહીના સમર્થક ગણાવાવ માંડ્યા છે અને પોતાની ઈમેજ સામાન્ય લોકોના મદદગાર તરીકે બનાવવા માટેના પ્રયાસો કર્યા છે. તેમને ઈન્ડોનેશિયાના અગાઉના રાષ્ટ્રપતિ જોકો વિડોડના નિકટના માનવામાં આવે છે.