ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ ફ્રાંસિસને બંને ફેફસામાં ન્યુમનોનિયા થયો છે : સ્થિતિ નાજુક બની છે
- 88 વર્ષના ધર્મગુરૂ માટે દુનિયાભરમાં ખ્રિસ્તીઓ પ્રાર્થના કરે છે
- શ્વાસમાં તકલીફ લાગતાં ગત સપ્તાહે તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, આટલી માંદગી છતાં એમનું મનોબળ અસામાન્ય છે : ખુશ મિજાજ રહે છે
વેટિકન સીટી : ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાંસીસને બંને ફેફસામાં ન્યૂમોનિયાની ભારે અસર થઇ છે. તેઓને અત્યારે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પરંતુ તેઓની પરિસ્તિતિ નાજુક બની રહી છે. આ માહિતિ આપતાં વેટિકનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આટલી માંદગી છતાં તેઓ ખુશમિજાજમાં રહ્યા છે. તેઓનું મનોબળ અસામાન્ય છે.
પોપ ફ્રાંસીસને શુક્રવારે રોમની ગેમેલ્વી હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. સોમવાર સુધીમાં તેઓના બહુવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે પછી તબીબોએ તેઓની ટ્રીટમેન્ટમાં ફેરફાર કર્યા હતા. તેવામાં મંગળવારે તેઓને પોલીમાઇક્રોબિયલ ઇન્ફેકશન લાગ્યું હતું. તે વખતે તેઓને એસ્થેમેટિક બ્રોન્કાઇટિસ તો હતો જ તેથી કોર્ટિઝોન એન્ટીબાયોટિક થેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં હાલત ગૂંચવણભરી તો છે જ.
આ સંત માત્ર ૨૧ વર્ષના જ હતા ત્યારે તેઓને ગંભીર પ્લુરિસી થયું હતું. તેથી તેઓનું અર્ધુ જમણુ ફેફસું તો કાપી નાખવું પડયું હતું.
આ ધર્મગુરૂની તંદુરસ્તી અંગે દુનિયાભરમાં પ્રાર્થનાઓ થાય છે.
પોપ ફ્રાંસિસ ૨૦૧૩થી આ પદ સંભાળે છે. તેઓએ હજી સુધીમાં નાદુરસ્તી તબીયત છતાં ઘણા દેશોની મુલાકાત લીધી છે. સપ્ટે. ૨૪માં તેઓએ એશિયા-પેસિફિક ૪ દેશોની મુલાકાત લીધી હતી.
૨૦૨૧માં તેઓને હર્નિયા અને કોલોન સર્જરી કરવામાં આવી હતી. ત્યારથી તેઓ વ્હીલ ચેરમાં જ હરી ફરી શકે છે.
નામદાર પોપની તંદુરસ્તી માટે વેટિકનનાં સેન્ટ પીયર્સ સ્કવેરમાં સેંકડો ખ્રિસ્તીઓએ મીણબત્તી સાથે પ્રાર્થના કરી હતી.