જીવન વિરૂદ્ધની નીતિઓ માટે પોપ ફ્રાંસીસે ટીકા કરતાં કહ્યું : 'જે ઓછું ખરાબ હોય તેને મત આપજો'
વેટિકન (રોમ) : અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના બંને ઉમેદવારો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસની પોપે ઉગ્ર ટીકા કરી હતી. વિશ્વના એક અબજ 40 કરોડ કેથોલિક ક્રિશ્ચિયન્સના આ સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસે આશ્રય માગનાર વસાહતીઓને અમેરિકામાંથી કાઢી મુકવાના (જો તે પ્રમુખ બનશે તો) ટ્રમ્પના નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે બાયબલમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'જે આશ્રય માગવા આવે તેને આશ્રય આપવો જ જોઈએ તે ન આપવો તે મહાપાપ છે.'
આ સાથે તેઓએ કહ્યું : 'ગર્ભપાત તો મહાપાપ છે. આ બંને પાપ છે, પરંતુ તેમાંથી શું પસંદ કરવું તે તમારે જોવાનું છે. મારૂં તો તેટલું જ કહેવાનું છે કે જે ઓછું ખરાબ હોય તેને મત આપજો.'
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઘૂસી આવનારા, આશ્રય લેનારાઓ પ્રત્યે નારાજ છે. તેઓ તેમને અમેરિકામાંથી શોધી શોધીને હાંકી કાઢવા કહે છે. તેમજ મેક્સિકોમાંથી અમેરિકામાં ઘૂસી આવતા લોકોને રોકવા મેક્સિકોની સરહદે દિવાલ બાંધવાની વાત કહી છે. ટ્રમ્પ પ્રમુખપદે હતા ત્યારે તેમણે મેક્ષિકોની સરહદે દિવાલ બાંધવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ તે પ્રોજેક્ટ પછીથી અટકી ગયો.
કમલા હેરિસ ગર્ભપાતને માટે છૂટ આપવાનાં આગ્રહી છે. તે સામે નામદાર પોપને સખત વાંધો છે. જોકે દુનિયાના કોઈ પણ ધર્મમાં ગર્ભપાતનો ઉગ્ર વિરોધ જ કરાયો છે, અને તમામ ધાર્મિક નેતાઓ તેનો વિરોધ કરે છે.
આ બંનેનો વિરોધ કરતાં નામદાર પોપે કહ્યું હતું કે, તે બેમાંથી આશ્રય માગનારને આશ્રય ન આપવો કે ગર્ભપાત કરવો જે ઓછું ખરાબ હોય તેને મત આપજો.