કંગાળ પાકિસ્તાનને લાગ્યો જેકપોટ: સિંધુ નદીના તટમાં 80 હજાર કરોડનો સોનાનો ખજાનો
Pakistan discover gold reserve : ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાંથી 800 અબજ પાકિસ્તાની રૂપિયાનું સોનું મળવાના સમાચારે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનને પંજાબ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે અટક નજીક 32 કિમીના એક ખાસ વિસ્તારમાં સોનું મળ્યું છે. આ સોનું 28 લાખ તોલા એટલે કે 653 ટન સુધીનું હોઈ શકે છે. હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પૂર્વ ખાણ મંત્રી ઇબ્રાહિમ હસન મુરાદે નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
મુરાદે કહ્યું કે, 'પાકિસ્તાનના જીયોલોજીકલ સર્વેક્ષણ વિભાગે 127 સ્થળોએથી નમૂના લીધા બાદ વૈજ્ઞાનિક રીતે સોનાની હાજરીની પુષ્ટિ કરી છે. સિંધુ નદી હિમાલયમાંથી નીકળે છે અને ભારત થઈને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. આ સોનું બરાબર તે જગ્યાએ મળી રહ્યું છે જ્યાં સિંધુ નદી પંજાબ પ્રાંતમાં પ્રવેશ કરે છે.' પાકિસ્તાની મંત્રીના સોનાના ખજાનાના દાવા પર ભારતીય નિષ્ણાતોએ ભારતને લઈને સારા સમાચાર આપ્યા છે. ચાલો આખો મામલો સમજીએ...
ભારતીય નદીમાંથી પણ સોનું મળી આવે છે
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા અને ઘણાં આફ્રિકન દેશોમાં તેલ અને કિંમતી ખનિજોનું ખાણકામ કરનારા ભૂ-ભૌતિકશાસ્ત્રી રત્નેશ પાંડેએ ભારતમાં આવેલી સોન નદીનું ઉદાહરણ આપીને પાકિસ્તાનના દાવા પર સારા સમાચાર આપ્યા છે.
રત્નેશ પાંડેએ કહ્યું હતું કે, 'ભારતની સોન નદીના માધ્યમથી સોનું વહીને આવે છે. સ્થાનિક લોકો સોન નદીની રેતીને ચાળણીથી ગાળે છે. તે રેતીમાં ક્વાર્ટઝ પથ્થરની સાથે સોનું પણ મળે છે. વૈજ્ઞાનિક રીતે સોનાની ખાણો તે જ જગ્યાએ મળી આવે છે કે જ્યાં ક્વાર્ટઝ પથ્થર મળી આવતો હોય. જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન જયારે લાવા જમીનમાંથી બહાર નીકળે છે ત્યારે સોનું પણ તેની સાથે બહાર નીકળે છે અને નદીઓ સાથે વહીને દૂર સુધી પહોંચે છે.' ઘણી વખત જ્વાળામુખીનો લાવા પૃથ્વીના પોપડાને તોડી શકતો નથી અને બહાર નીકળીને પૃથ્વીની અંદર 10 મીટર, 20 મીટર અથવા તેનાથી પણ નીચે રહી જાય છે. વૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા, અહીં જમીનથી 10-20 મીટર નીચે સોનાની ખાણો મળી આવે છે. સોનું કુદરતી હોય છે. તે જમીનની અંદર જોવા મળે છે અને નીચલા વિસ્તારોમાંથી પાણી દ્વારા વહીને બહાર આવતું રહે છે. આફ્રિકામાં આ રીતે સોનું ઘણું મળી આવે છે.'
સોનું શોધવાના દાવામાં પાકિસ્તાન હજુ પ્રારંભિક તબ્બકામાં
વધુમાં રત્નેશ પાંડેએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલો 653 ટન સોનાનો અંદાજ પ્રારંભિક મૂલ્યાંકન પર આધારિત છે. તેમણે હજુ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક ડેટા શેર કર્યો નથી અને કઈ વૈજ્ઞાનિક સર્વે પદ્ધતિના આધારે સોનાના ભંડારનો અંદાજ કાઢવામાં આવ્યો છે તે પણ જણાવ્યું નથી. સોનાના ભંડારનો અંદાજ કાઢવાની સચોટ પદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ પછી જ જાહેર કરવામાં આવે છે. સોનાના ભંડારની વિશ્વસનીયતા વૈજ્ઞાનિક સર્વેક્ષણ પછી જ સાબિત થાય છે.'
શું સોનાથી પાકિસ્તાનનું ભાગ્ય બદલાશે?
અહીં તમને જણાવી દઈએ કે, ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પણ સોનું મળી આવે છે. અને ત્યાં પણ ઘણાં લોકો પાણી અને રેતીમાંથી સોનું શોધે છે. પાકિસ્તાની નેતા ઇબ્રાહિમ હસન મુરાદે દાવો કર્યો હતો કે આ શોધ પાકિસ્તાનનું ભાગ્ય બદલી શકે છે. આનાથી ભાવિ પેઢીઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે. તેમણે કહ્યું કે, 18 હજાર એકરથી વધુ વિસ્તાર એવો છે કે જ્યાંથી સોનું મળી શકે છે. જ્યારે સિંધુ નદી હિમાલયમાંથી પસાર થઇને અહીં પહોંચે છે ત્યારે સોનાના નાના ટુકડાઓ અહીં આવીને બેસી જાય છે. આ પછી જ્યારે વરસાદની ઋતુમાં સિંધુ નદીના પાણીનું સ્તર ઘટી જાય છે ત્યારે લોકો સોનાની શોધમાં અહીં આવે છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર વિસ્તારમાં 9 બ્લોક આવેલા છે અને સૌથી મોટા બ્લોકમાં 155 અબજ રૂપિયાનું સોનું હોઈ શકે છે.
સોનું કાઢવા માટે પાકિસ્તાને લેવી પડશે મિત્ર દેશોની મદદ
ઇબ્રાહિમ હસને કહ્યું કે, 'પાકિસ્તાનને આ સોનું કાઢવા માટે મિત્ર દેશોની મદદ લેવી પડી શકે છે. આ જગ્યાએથી વર્ષોથી ઘણું સોનું ચોરવામાં આવી રહ્યું છે. સરકારે આ ચોરી બંધ કરાવવી જોઈએ.' પાકિસ્તાન હાલમાં ગરીબી અને ભૂખમરોમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકોને ખોરાક મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ સિવાય પાકિસ્તાની લોકો ભયંકર મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન આ સોનું કાઢવામાં સફળ થાય છે તો તેનું ભાગ્ય બદલાઈ શકે છે.
ભારતને પણ મળી શકે છે સોનાનો ભંડાર?
હાલમાં પાકિસ્તાનમાં બેરોજગારીનો દર ભારત અને બાંગ્લાદેશ બંને કરતા પણ વધારે છે. પાકિસ્તાનને દર વર્ષે 15 લાખ નવી નોકરીઓની જરૂર છે. લૂંટફાટ અટકાવવા માટે પાકિસ્તાન સરકારે આ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. તો બીજી તરફ સરકાર હવે પંજાબના પડોશી પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં સોનાની શોધ કરવા જઈ રહી છે, જ્યાંથી સિંધુ નદી પસાર થાય છે. રત્નેશ પાંડે કહે છે કે, 'ભારત સરકારે હિમાલયના તે વિસ્તારમાં હજુ સુધી વધુ શોધખોળ કરી નથી કે જ્યાંથી સિંધુ નદી નીકળે છે. આપણે હજુ અહીં ઘણું કામ કરવાનું બાકી છે. હિમાલયમાં ટેક્ટોનિક પ્રવૃત્તિઓ થતી રહે છે. લાવા દ્વારા સોનું બહાર આવે છે. ત્યારબાદ તે પાણી દ્વારા પાકિસ્તાન પહોંચી શકે છે. જો કે, આ વાતની પુષ્ટિ કરવા માટે સંપૂર્ણ તપાસ કરવી પડશે.'