VIDEO: POKની ખરાબ હાલત, લોકો લોટ માટે તરસ્યા, માંગ પૂરી નહી થાય તો થશે હિંસા!!
પીઓકેમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં 1200 રૂપિયાનો વધારો
સરકારી કેન્દ્રો કે જ્યાં સબસીડી પર લોટ આપવામાં આવતો હતો ત્યાં પણ હાલ લોટ નથી
Image: Screen grab Twitter |
હાલ પાકિસ્તાનમાં આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનમાં હાલ કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે. રોજિંદા જીવની વસ્તુઓ પણ લોકોને મળી શકતી નથી. તે કારણોસર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થાનિક લોકોમાં શાહબાઝ સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે. લગભગ દરેક વિસ્તારોમાં લોકોએ ગઈકાલે હાઈવે બ્લોક કરી અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમુક જગ્યાએ આ દેખાવ તીવ્ર હતા જેમકે, કેટલી જગ્યાઓએ ટાયરો સળગાવી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને બરફવર્ષા વચ્ચે લોટની સપ્લાય માટે સરકારનો વિરોધ કરતા જોવા મળે છે.
વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરતા કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સરકારની નિષ્ફળ નીતિઓને કારણે તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી ઘઉંના ભાવ જાણે આસામન ઉંચાઈએ હોય તેટલા જોવા મળી રહ્યા છે. આ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં લોટના ભાવમાં અચાનક વધારો થયો છે. એવામાં હવે શાહબાઝ સરકારે પીઓકેમાં લોકોને મળતા સબસિડીવાળા ઘઉંને પણ આપવાનું બંધ કરી દીધું છે.
1200 રૂપિયાથી મોંઘો લોટ
સુત્રો પરથી મળતી માહિતીમાં જાણવા મળે છે કે, પીઓકેમાં ઘઉંના ભાવમાં એક જ દિવસમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. જેનાથી લોકો ખુબ જ પરેશાન છે. સરકારી કેન્દ્રો કે જ્યાં સબસીડી પર લોટ આપવામાં આવતો હતો ત્યાં પણ હાલ લોટ ન હોવાને લીધે તાળા લાગી ગયા છે. પીઓકેના લગભગ દરેક શહેરમાં હાલ તે કારણોને લીહે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
વધતા વિરોધ વચ્ચે સરકાર સામે હિંસાની ધમકી
હાલ ટ્વિટર પર એક વીડિયો શેર થયો છે જે વીડિયોમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા ઉપર લખ્યું હતું કે, 'લોકો પીઓકેની નીલમ ઘાટીમાં કડકડતી ઠંડીમાં લોટની સપ્લાયની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાને PoK માટે તમામ ખાદ્ય ચીજો પર સબસિડી હટાવી દીધી છે અને લોકો લોટ ખરીદવા માટે સક્ષમ નથી. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો પાકિસ્તાન સરકાર સામે હિંસક પગલાં લેવાની ચેતવણી આપી છે.