પાકિસ્તાનના પંજાબમાં અહમદીયા પંથની 3 મસ્જિદોમાં પોલીસે જ તોડફોડ કરી
- આ દુષ્કૃત્યમાં પોલીસની સાથે કટ્ટરપંથીઓ પણ જોડાયા, મસ્જીદોના મિનારા તોડી નખાયા : 31 અહમદીયાઓની ધરપકડ
લાહોર : પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુ, ખ્રિસ્તી, પારસી, યહૂદી અને શિખ લઘુમતિઓ ઉપર સતત હુમલા થઈ રહ્યા છે. સરકાર પણ તે રોકવાને બદલે તે કટ્ટરપંથીઓને આડકતરો સાથ આપે છે તે જગત આખું જાણે છે. પરંતુ હવે તો, પાકિસ્તાનમાં ઈસ્લામ ધર્મના જ એક પંથ અહમદીયા પંથ ઉપર માત્ર કટ્ટર પંથીઓ જ નહીં, પોલીસ તુટી પડે છે !
પાકિસ્તાનમાં પંજાબ પોલીસે જ અહમદીયા પંથીઓની ૩ મસ્જિદોમાં તોડફોડ કરી હતી અને તેના મિનારાઓ પણ તોડી પાડયા હતા. પોલીસની સાથે કટ્ટરપંથીઓ પણ આ દુષ્કૃત્યમાં જોડાયા હતા.
જમાત-એ-અહમદીયા-એ-પાકિસ્તાન (જેએપી)ની ફૈઝલાબાદમાં આવેલ અહમદીયાઓની ૩ મસ્જિદોમાં પોલીસે જ તોડફોડ કરી હતી. તેમની સાથે કટ્ટરપંથીઓ પણ જોડાયા હતા. શુક્રવારે સાંજે બનેલી આ ઘટના અંગે સત્તાધીશોના આદેશ પ્રમાણે આ અતિ જધન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું.
આ તોફાનો અંગે એક વિશિષ્ટ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ''અહમદીયાઓની મસ્જિદોના મિનાર ઈસ્લામ ધર્મની મસ્જિદોના મિનારા જેવા હોવાથી તે તોડી પડાયા હતા.''
જો કે, મસ્જિદની અંદર પણ થયેલી તોડફોડ અંગે તેઓ પાસે જવાબ ન હતો. તેમજ તે કૃત્ય કટ્ટરપંથીઓ દ્વારા જ કરવામાં આવ્યું હોય તો કટ્ટરપંથીઓ સાથે પોલીસ શા માટે જોડાઈ તેનો પણ કાઈ જવાબ ન હતો.