PoKમાં સ્થિતિ વણસી, ટેક્સ-મોંઘવારી અને વીજબિલના વિરોધમાં દેખાવો કરતાં લોકો પર લાઠીચાર્જ
Pok Protest News | પાકિસ્તાનનાં કબ્જા નીચેના કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન દમનકારી નીતિ અપનાવી રહ્યું છે. ટેક્સ, મોંઘવારી અને સતત વધતાં વીજળી બિલના વિરોધમાં દેખાવો યોજવા એકઠા થયેલા લોકો ઉપર પાકિસ્તાનની પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સે કાશ્મીરીઓ વિરૂદ્ધ કઠોર કાર્યવાહી શરૂ કરી છે. તેમણે દેખાવકારો ઉપર લાઠીઓ વરસાવી, ટીયર ગેસના ગોળા છોડયા અને હવામાં ફાયરીંગ પણ કર્યું. આ હિંસામાં બે દેખાવકારોનાં મૃત્યુ પણ થયા હતા, અનેક ઘાયલ પણ થયા હતા.
પાકિસ્તાનની સરકાર પોતાના કબ્જા નીચેનાં કાશ્મીરીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર કરી રહી છે. ત્યાં વધતા ટેક્સ, સતત વધતી મોંઘવારી અને વધી રહેલા વીજળી બિલના વિરોધમાં તેમજ લોડ-શેડીંગનો વિરોધ કરવા કેટલાયે લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા.
શનિવાર ૧૧ મેના દિવસે તેઓ શાંતિપૂર્ણ માર્ચ યોજવાના હતા. પરંતુ માર્ચ માટે મીરપુરના દડીયાલ વિસ્તારમાં દેખાવકારો એકઠા થયા હતા, ત્યાં જ પાકિસ્તાનની પોલીસ અને રેન્જર્સ કાળો કેર બની તેમની ઉપર તૂટી પડી હતી. લાઠીઓ વરસાવવી શરૂ કરી દીધી. ટીયર ગેસના ટોટા છોડયા અને હવામાં ફાયરિંગ પણ કર્યું.
પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સની આવી કઠોર કાર્યવાહીને લીધે ડઝનબંધ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. બેનાં મૃત્યુ થયા હતા, ટીયર ગેસ એટલો બધો છોડવામાં આવ્યો કે લોકોના શ્વાસ ઘૂંટાવા લાગ્યા હતા. તેટલું જ નહીં પરંતુ પાસેની શાળાનાં બાળકોના પણ શ્વાસ ઘૂંટવા લાગ્યા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. પરંતુ તે બાળકોને સહાય કરનારૂં કોઈ ન હતું.
પીઓકેમાં જળ વિદ્યુત બહુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરાય છે પરંતુ તે વીજળી પીઓકેના વતનીઓને નથી મળતી, ત્યાં શેડીંગ થાય છે અને મોટાભાગની વિજળી પાકિસ્તાનમાં જ પહોંચાડાય છે. સહજ છે કે આથી પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરના લોકો તેનો વિરોધ કરે જ.