ભારત સાથે પંગો લેનાર ટ્રુડોની હવે પોલેન્ડે મુશ્કેલી વધારી, સન્માનિત નાઝી અધિકારીના પ્રત્યાર્પણની માંગ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ભારત સાથે પંગો લેનાર ટ્રુડોની હવે પોલેન્ડે મુશ્કેલી વધારી, સન્માનિત નાઝી અધિકારીના પ્રત્યાર્પણની માંગ 1 - image

image : Socialmedia

ઓટાવા,તા.30.સપ્ટેમ્બર,2023

કેનેડાની સંસદમાં જર્મની વતી વિશ્વ યુધ્ધમાં લડનારા નાઝી અધિકારીના સન્માન બાદ આખી દુનિયામાં કેનેડાનો ફજેતો થયો છે. કેનેડાની સંસદના સ્પીકરને રાજીનામુ આપવુ પડ્યુ છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પહેલા જ આ મુદ્દે માફી માંગી ચુકયા છે.

જોકે એ પછી પણ યુરોપના દેશ પોલેન્ડનો ગુસ્સો શાંત થયો નથી. પોલેન્ડના શિક્ષણ મંત્રીએ માંગ કરી છે કે, કેનેડાની સંસદમાં સન્માનિત નાઝી યારોસ્લાવ હુંકાના પ્રત્યાપર્ણ માટે પોલેન્ડની સરકારે કેનેડા સાથે વાતચીત કરવી જોઈએ.

ભારત સાથે ખાલિસ્તાનીઓના મુદ્દે પંગો લઈ ચુકેલા ટ્રુડો માટે પોલેન્ડ નવી મુસિબત બને તો નવાઈ નહી. કારણકે જો પોલેન્ડે પોતાના મંત્રીની વાત માનીને પ્રત્યાર્પણ માટે માંગણી કરી તો ટ્રુડો માટે આ અધિકારીના પ્રત્યાર્પણનો ઈનકાર મુશ્કેલી સર્જી શકે છે.

પોલેન્ડના શિક્ષણ મંત્રીએ પોતાના રાષ્ટ્રપતિને લખેલા પત્રની જાણકારી આપતા કહ્યુ હતુ કે, સન્માનિત નાજી અધિકારી હુંકાને યુક્રેની-કેનેડિયન મૂળના સૈન્ય અધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેણે રશિયા સામે યુક્રેનની આઝાદી માટે લડાઈ લડી હતી. હુંકાને કેનેડા અને યુક્રેનનો હીરો ગણાવવામાં આવ્યો હતો. 98 વર્ષના અધિકારીનુ સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને સન્માન કર્યુ હતુ. ખરેખર તો હુંકા પોલેન્ડના યહૂદીઓ સામેના અપરાધો બદલ વોન્ટેડ છે. આવા અપરાધો માટે કેનેડા સામે ફરિયાદ થવી જોઈએ અને તેના પ્રત્યપર્ણ માટે સરકારે કેનેડા સાથે વાત કરવી જોઈએ.


Google NewsGoogle News