પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યૂમોનિયાના કારણે 200 બાળકોના મોતથી હાહાકાર
image : twitter
ઈસ્લામાબાદ,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી પડી રહી છે અને તેના કારણે ન્યૂમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ન્યૂમોનિયાના કારણે 200થી વધારે બાળકોના મોત થતા હાહાકાર વ્યાપી ગયો છે.
પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી મુકાઈ તેમજ તેઓ કુપોષિત પણ હતા. માતાનુ પૂરતુ દુધ પણ તેમને નહીં મળ્યુ હોવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હતી.
બીજી તરફ હાડ ધ્રુજાતી ઠંડીના કારણે સરકારે 31 જાન્યુઆરી સુધઈ સમગ્ર પ્રાંતમાં સ્કૂલોમાં સવારની સભા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ વર્ષના પ્રારંભમાં પંજાબ પ્રાંતમાં ન્યૂમોનિયાના 10520 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 200 બાળકોના મોત થયા છે. આ બાળકો પાંચ વર્ષ સુધીની વયના છે. 47 બાળકો રાજધાની લાહોરમાં મોતને ભેટયા છે.
રાજ્યમાં રસીકરણ કાર્યક્રમના નિર્દેશક મુખ્તાર અહેમદનુ કહેવુ છે કે, બાળકના જન્મથી બે વર્ષની વય દરમિયાન અલગ અલગ બીમારીઓ માટેની 12 રસી મુકવામાં આવે છે. આ પૈકી 3 ડોઝ ન્યૂમોનિયાથી બાળકને બચાવવા માટેના હોય છે. પંજાબમાં ન્યૂમોનિયાના કારણે બાળકોના થઈ રહેલા મોત ગંભીર બાબત છે અને તેના માટે બેક્ટેરિયા અને વાયરસ એમ બંને કારણ હોઈ શકે છે. બાળકોને ન્યૂમોનિયાની રસી મુકવામાં આવી હોય તો તે બેક્ટેરિયાથી થતા ઈન્ફેક્શનથી સુરક્ષિત છે પણ વાયરલ ન્યૂમોનિયાથી પ્રભાવિત થઈ શકે છે.
ડોકટરોનુ કહેવુ છે કે, શિયાળાની ઠંડીના કારણે ન્યૂમોનિયાના કેસ વધી ગયા છે અને કોરોનાની જેમ સંક્રમણ લાગવાથી બાળકોમાં તેનો ફેલાવો વધી ગયો છે.