પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકની એન્ટ્રી, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડનો પુત્ર લાહોરથી ચૂંટણી લડશે

ભારતમાં વૉન્ટેડ લશ્કર એ તોઈબાનો વડો હાફિઝ સઈદ આતંકી ફંડિંગના કેસમાં 2019થી પાકિસ્તાનની જેલમાં

અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકની એન્ટ્રી, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડનો પુત્ર લાહોરથી ચૂંટણી લડશે 1 - image
Image Twitter 

તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર 

પાકિસ્તાનની ચૂંટણીમાં આતંકવાદીઓને પણ હવે પ્રવેશ મળવા લાગ્યો છે. કારણ કે નવાઈની વાત એ છે કે 26/11 મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ લાહોરની NA-127 સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. હકીકતમાં હાફિઝ સઈદના નવા રાજકીય સંગઠને પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારો માટે તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. 

નવાઈની વાત એ છે કે, લશ્કર-એ-તૈયબા (LET)ના સંસ્થાપક હાફિઝ સઈદ, પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD)ના કેટલાક અન્ય નેતાઓ સાથે આતંકવાદી નાણાંકીય મામલે દોષિત જાહેર થયા બાદ 2019થી જેલમાં છે. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (PMML) પાર્ટીએ આપેલા નિવેદનમાં કહ્યુ હતું કે, આ એક રાજકીય પાર્ટી છે અને તેનું ચૂંટણી ચિન્હ 'ખુરશી' છે.

હાફિઝ સઈદના પુત્રને આપવામાં આવી છે ટિકિટ

PMML ના પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે, "અમારી પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ." સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને લાહોરના NA-127 પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ખાલિદ મસૂદ સિંધુએ સોમવારે એવો પણ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને PMML સાથે કોઈ લેવાદેવા નથી.

અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે

મહત્વની વાત એ છે કે, વર્ષ 2024ની ચૂંટણી માટે MML પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે PMMLની રચના કરવામાં આવી છે. અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે. હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા લશ્કર-એ-તૈયબા (LeT)નું જ સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે. આ હુમલા દરમિયાન અમેરિકન સહિત કુલ 166 લોકોના મોત થયા હતા.


Google NewsGoogle News