પાકિસ્તાનમાં તમામ બુરાઈનું મૂળ ઈમરાન, દસ વર્ષ પહેલા જ સર કલમ કરવાની જરૂર હતી : મરિયમ ઔરંગઝેબ
Pakistan Politics : પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો આવી ગયા છે અને રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે પણ કોઈની સરકાર બની રહી નથી.
આ પ્રકારની રાજકીય ઉથલપાથલ વચ્ચે નવાઝ શરીફના નિકટના મહિલા નેતા મરિયમ ઔરંગઝેબનુ એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તે કહેતા સંભળાય છે કે, પાકિસ્તાનમાં તમામ સમસ્યાઓ અ્ને બુરાઈનુ મૂળ પૂર્વ પીએમ ઈમરાન ખાન છે. આ વ્યક્તિને જો દસ વર્ષ પહેલા જ ખતમ કરી નાંખવામાં આવી હોત તો પાકિસ્તાન માટે સારુ થયુ હોત.
મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી રહી ચુકયા છે. તેમણે કહ્યુ હતુ કે, ઈમરાન ખાન અને તેમની પાર્ટીના કાર્યકરોએ 2014માં ચીનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાકિસ્તાનના રેડિયો સ્ટેશન પર હુમલો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટને પણ તાળા માર્યા હતા. તેમણે પાકિસ્તાનમાં ગુંડાગર્દીને જન્મ આપ્યો હતો. 2018માં ઈમરાનખાને લોકોના મતની ચોરી કરી હતી અને 2018માં આઈએમએફને પત્ર લખીને કહી દીધુ હતુ કે, મેં પાકિસ્તાનને દેવાળિયુ બનાવી દીધુ છે અને અમને કોઈ જાતની મદદ પૂરી પાડવાની જરુર નથી.
મરિયમે કહ્યુ હતુ કે, સમાજમાં ફેલાયેલી બૂરાઈના મૂળ ગણાતા ઈમરાન ખાનને દસ વર્ષ પહેલા જ ખતમ કરી દેવાની જરુર હતી. તેનુ અને તેના સાથીદારોનુ માથુ ધડથી અલગ કરી દેવાનુ હતુ.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં યોજાયેલી આમ ચૂંટણીઓ બાદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ દ્વારા ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવીને સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઈમરાનની પાર્ટીના નેતાઓનુ કહેવુ છે કે, મોટા પાયે ગરબડ કરીને અમારી પાર્ટીના ઉમેદવારોને હરાવવામાં આવ્યા છે અને પરિણામો જો બદલવામાં ના આવ્યા હોત તો અમારી સરકાર બની હોત. નવાઝ શરીફને સેના મદદ કરી રહી છે અને તેમની પાર્ટીને જીતાડવા માટે તમામ પ્રકારના હથકંડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એ પછી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ...ના નેતાઓ ઈમરાન ખાન અને તેમના નેતાઓ પર વળતા હુમલા કરી રહ્યા છે.