કેનેડામાં પીએમ ટ્રુડોના વિશ્વાસુ ડેપ્યુટી પીએમ ફ્રીલેન્ડનું રાજીનામું
- ભારત વિરોધી વડાપ્રધાન ટ્રુડોને શાસક પક્ષમાંથી જ ફટકો
- નાણામંત્રી તરીકે ક્રિસ્ટિયાના રાજીનામા પછી લિબરલ પાર્ટીમાંથી જ ટ્રુડો પર પણ પીએમપદેથી રાજીનામું આપવા દબાણ વધ્યું
ઓટ્ટાવા : કેનેડામાં ખાલિસ્તાનીઓને સમર્થન આપતાં ભારતના વિરોધી બની ગયેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના માથે એક પછી એક આફતો આવી રહી છે. ખાલિસ્તાની સમર્થકો મુદ્દે ટ્રુડોએ દેશમાં વિરોધનો સામનો કરવો પડયો છે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની ધમકી આપી છે ત્યારે પીએમ ટ્રુડોનો હવે શાસક પક્ષમાંથી પણ વિરોધ થઈ રહ્યો છે. નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોશિયલ મીડિયા પર ટ્રુડોની આકરી ટીકા કરતાં કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. ટ્રુડો પર પણ રાજીનામું આપવા દબાણ થઈ રહ્યું છે.
કેનેડાના નાયબ વડાપ્રધાન અને ટ્રુડોના અત્યંત વિશ્વાસુ એવા ૫૬ વર્ષીય ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે વડાપ્રધાનને લખેલા રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, કેનેડા માટે શ્રેષ્ઠ માર્ગ શો છે, તે અંગે મારે અને વડાપ્રધાન વચ્ચે મતભેદો છે. તેથી મને લાગ્યું કે આ સંજોગોમાં મારા માટે સારામાં સારો માર્ગ કેબિનેટમાંથી નીકળી જવાનો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ફ્રીલેન્ડ અને ટ્રુડો અસ્થાયી કર છૂટ અને અન્ય ખર્ચાઓના પ્રસ્તાવ મુદ્દે આમને-સામને આવી ગયા હતા. પરિણામે ટ્રુડોએ નાણામંત્રી તરીકે તેમને હટાવીને અન્ય પદ પર ખસેડવા ભલામણ કરી હતી. જોકે, તેનાથી નારાજ ક્રિસ્ટિયાએ કેબિનેટમાંથી જ નીકળી જવાનું પસંદ કર્યું હતું. આ સાથે તેમણે ટ્રુડોને મોટો ફટકો આપ્યો છે.
કેનેડામાં આગામી વર્ષે ફેડરલ ચૂંટણી યોજાવાની છે ત્યારે ફ્રીલેન્ડે નાણામંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી જસ્ટિન ટ્રુડોની જ પાર્ટી લિબરલ પાર્ટીના જ વરિષ્ઠ સભ્યો અને સાંસદોએ તેમને વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. કેનેડાના મિડીયાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે, હજી સુધી જસ્ટિન ટ્રુડોએ નિર્ણય નથી કર્યો કે, તેઓ ત્યાગપત્ર આપશે કે પદ ઉપર ચાલુ રહેશે.
બીજી તરફ કેનેડાની લેબર પાર્ટીના ૧૫૩ સાંસદો પૈકી ૬૦ જેટલા સાંસદોએ જસ્ટિન ટ્રુડોને પદ ત્યાગ કરવા અનુરોધ કર્યો છે. સોમવારે સાંજે મળેલી પક્ષની આંતરિક વર્તુળોની મીટીંગમાં ટ્રુડોને વહેલામાં વહેલી તકે ત્યાગપત્ર આપવા જણાવ્યું હતું.
ક્રીસ્ટ્રિયા ફ્રીલેન્ડનું રાજીનામું ટ્રુડો માટે બ્રેકિંગ પોઇન્ટ સમાન બની રહ્યું છે. અન્ય પાર્ટીના સાંસદો ઉપરાંત પોતાની જ લિબરલ પાર્ટીના સાંસદોએ પણ વડાપ્રધાનનું ત્યાગપત્ર માગી લીધું છે. આ સામે પોતાનો બચાવ કરતાં જસ્ટિન ટ્રુડોએ પાર્ટી કોરમમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે તમારી સર્વેની અને તે દ્વારા સમગ્ર દેશની સેવા કરવાની મને તક મળી છે.. રોજે રોજ હું જાગું છું. ત્યારે આ દેશની સેવા કેમ કરવી અને દેશને શ્રેષ્ઠ કઈરીતે બનાવવો એમ વિચારતો રહું છું.
વિપક્ષ રૂઢીચુસ્ત (ટોરી) કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પીયર પોલિવિયરે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોઇને હવે ટ્રુડોમાં વિશ્વાસ રહ્યો નથી. તેની જ પાર્ટીના સભ્યોને કે તેની કેબિનેટનાં મંત્રીઓને પણ વિશ્વાસ રહ્યો નથી. સિવાય કે જગમીત સિંહ. આમ છતાં તે ઉલ્લેખનિય છે કે જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટી જે એક સમયે ટ્રુડોની કોન્ઝર્વેટિવ (ટોરી) પાર્ટી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે.