આપણે નસીબદાર છે કે, ભારત જેવો મિત્ર મળ્યોઃ બાંગ્લાદેશમાં મતદાન અને હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ કર્યા ભારતના વખાણ
Image Source: Twitter
ઢાકા, તા. 07 જાન્યુઆરી 2024
બાંગ્લાદેશમાં ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યુ છે.પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જેના કારણે શેખ હસીના ચોથી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બને તેવી શક્યતાઓ છે.
ખાલિદા ઝીયાને ભ્રષ્ટાચારના આરોપસર નજરકેદ કરવામાં આવ્યા છે.બીજી તરફ મતદાન દરમિયાન ઠેર ઠેર હિંસા પણ થઈ છે.ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે શેખ હસીનાએ ભારતના ફરપૂર વખાણ કરીને કહ્યુ છે કે, આપણે ભાગ્યશાળી છે કે આપણી પાસે ભારત જેવો મિત્ર છે.ભારતનુ હાર્દિક સ્વાગત છે. ભારતે બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ દરમિયાન સમર્થન આપ્યુ હતુ. 1975માં જ્યારે અમે અમારો પરિવાર ગૂમાવી બેઠા હતા ત્યારે ભારતે અમને આશ્રય આપ્યો હતો. ભારતના લોકોને અમારી શુભકામનાઓ.
આજે ચાલી રહેલા મતદાન પૂર્વ શનિવારે પણ બાંગ્લાદેશમાં હિંસાનો દોર ચાલુ રહ્યો હતો. બાંગ્લાદેશના 10 જિલ્લાઓમાં 17 મતદાન મથકોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ઢાકા પાસે શુક્રવારે એક ટ્રેનની આગચંપી કરવામાં આવી હતી.જેમાં ચાર લોકોના મોત થયા છે.
આજે બાંગ્લાદેશમાં થઈ રહેલા મતદાનમાં 42000 મતદાન કેન્દ્રો પર લગભગ 11.96 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે.ચૂંટણીમાં 27 પાર્ટીઓના 1500 કરતા વધારે ઉમેદવારો મેદાનોમાં છે અને બીજા 436 ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. અન્ય દેશોના 100 જેટલા નિરિક્ષકો ચૂંટણી પર નજર રાખવા માટે બાંગ્લાદેશમાં આવ્યા છે.