ભારત સાથે વાત કરવા પાક. PM શાહબાઝ શરીફની આજીજી, કહ્યું- 'વાતચીતથી ઉકેલવા માગીએ છીએ કાશ્મીરનો મુદ્દો'
Pakistan-India Relations : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવા તેમજ મિત્રતા શરૂ કરવા માટે અત્યંત આતુર થયા છે. તેમણે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કરી કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત દ્વારા કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ ઉકેલવા માંગે છે. તેમણે કાશ્મીરીઓ પ્રત્યે પોતાનું સમર્થન હોવાની વાત કહી છે.
ભારત સાથે તમામ મુદ્દે સમાધાન કરવા શરીફ આતુર
શરીફે કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, ભારત સાથે કાશ્મીર સહિતના મુદ્દાઓનું સમાધાન વાતચીતથી થવું જોઈએ. ભારતે પાંચમી ફેબ્રુઆરી-2019ની ઘટનામાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને આપેલા વચનને પુરો કરી વાતચીત શરૂ કરવી જોઈએ.’ ભાષણ દરમિયાન તેમણે કલમ-370ને નાબુદ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરાયો છે તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરાયા છે.
બંને માટે આગળ વધવાનો રસ્તો વાતચીત : શરીફ
તેમણે કહ્યું કે, ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1999માં પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બંને દેશો લાહોર ઘોષણાપત્ર મુજબ સંમત થયા હતા, તેથી જ પહેલેથી જ લખાયેલું છે, તે મુજબ પાકિસ્તાન અને ભારત માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે.
કલમ-370 નાબુદ કર્યા બાદ બંને દેશો વચ્ચે સંબંધો બગડ્યા
ઉલ્લેખનીય છે કે, ભારત હંમેશા આતંકવાદ વિરુદ્ધ લડતું રહ્યું છે. ભારત વારંવાર કહેતું રહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદ, શત્રુતા અને હિંસા મુક્ત થાય, ત્યારબાદ જ તેમની સાથે સામાન્ય પડોશી સંબંધો રાખવા માંગે છે. ભારતે પાકિસ્તાનને વારંવર કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. પરંતુ ભારત દ્વારા કલમ-370 હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે.
‘હથિયાર જમા કરવાથી શાંતિ સ્થપાતી નથી’
પાકિસ્તાનના વડાપ્રધાને આક્ષેપ કર્યો છે કે, ભારતે પાકિસ્તાન સાથે પોતાના સંબંધો મજબૂત કર્યા છે. હથિયાર જમા કરવાથી શાંતિ સ્થપાતી નથી અને તે ક્ષેત્રના લોકોનું નસીબ પણ બદલાવાનું નથી. તેમણે ભારતને સમજદારીથી પગલું ભરવાનો આગ્રહણ કર્યો અને કહ્યું કે, પ્રગતિનો રસ્તો શાંતિ છે.