વ્હાઇટ હાઉસમાં PM મોદી અને મસ્કની મુલાકાત: AI તથા સ્ટારલિન્ક ઇન્ટરનેટ અંગે થઈ શકે છે ચર્ચા
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 ફેબ્રુઆરી) વોશિંગ્ટન ડી.સીમાં વ્હાઇટ હાઉસની પોતાની યાત્રા દરમિયાન ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે મુલાકાત કરશે. આ બેઠક એટલે પણ ખાસ છે કારણકે, મસ્ક અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના તેમજ વિશ્વસનીય સલાહકાર તરીકે ઉભરી આવ્યા છે. વડાપ્રધાન મોદીના બે દિવસીય અમેરિકાના પ્રવાસમાં અનેક બાકી નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ સામેલ છે. પરંતુ, ઈલોન મસ્ક સાથે તેમની બેઠકને લઈને વધારે ઉત્સાહ છે.
2015માં થઈ હતી મુલાકાત
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદી અને ઈલોન મસ્ક એકબીજાને મળી રહ્યા હોય. વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ સૈન જોસમાં ટેસ્લાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જેમાં મસ્કે તેમને વ્યક્તિગત રૂપે ફેક્ટરીની મુલાકાત કરાવી હતી. જોકે, આ વખતની મુલાકાતનો સંદર્ભ અલગ છે. 2015માં મસ્ક ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક હતા પરંતુ, હવે તે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના પ્રમુખ સલાહકાર બની ચૂક્યા છે.
આ પણ વાંચોઃ પરમાણુ મુદ્દાઓના નિષ્ણાત ભારતીય મૂળના પોલ કપૂરને ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી!
ભારતમાં રોકાણ વધારશે ઈલોન મસ્ક?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ટેસ્લા અને સ્પેસએક્સની ભારતમાં સંભાવના પર ચર્ચા થઈ શકે છે. મસ્કે પહેલાં ભારતમાં એક વાજબી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં રસ દાખવ્યો હતો. પરંતુ, આ સ્પષ્ટ નથી કે, તે હજુ પણ આમાં રસ દાખવે છે કે નહીં? અથવા કોઈ અન્ય વિષય પર વાત કરવા ઇચ્છે છે. આ સિવાય ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાના વિસ્તાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નીતિ પર વાતચીત થઈ શકે છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સસ્તા ઇન્ટરનેટની સુવિધાની આશા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ VIDEO: બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે ગેરવર્તણૂક, અંગ્રેજ યુવકે જાતીવાદી ટિપ્પણી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક એટલે પણ ખાસ માનવામાં આવે છે કારણકે, મસ્ક હવે અમેરિકન પ્રશાસનમાં 'સરકારી કાર્યક્ષમતા વિભાગ'ના પ્રમુખ છે. જેનો હેતુ સંઘીય કાર્યક્રમો અને નિયમોમાં સુધારો કરવાનો છે. એવમાં આ મુલાકાતની રાજકીય અને આર્થિક બંને સ્તર પર અસર જોવા મળી શકે છે.