PM મોદી પહોંચ્યા યુક્રેન: ઝેલેન્સ્કીના ખભે હાથ મૂકી કરી વાત, યુદ્ધમાં જીવ ગુમાવનાર બાળકોને આપી શ્રદ્ધાંજલિ
Image: IANS |
PM Modi Visits Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં બે દિવસીય મુલાકાત બાદ યુક્રેન મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ વનથી કીવ પહોંચ્યા છે. તે લગભગ 10 કલાકની ટ્રેન મુસાફરી કરી કીવ પહોંચ્યા હતાં. જ્યાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી. તેઓ અહીં 7 કલાક રોકાણ કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ, મોદી અને ઝેલેન્સકી મે 2023માં જાપાનમાં જી-7 સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા.
વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. યુક્રેનની સ્થાપના 1991માં સોવિયત સંઘ છૂટુ પડ્યા બાદ થઈ હતી. ત્યારથી આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન હુમલા બાદથી અત્યાર સુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. વડાપ્રધાન મોદી મેરિન્સકી પેલેસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતાં. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. મોદીના સ્વાગત માટે મેરિન્સકી પેલેસને ભારત અને યુક્રેનના ધ્વજથી શણગારવામાં આવ્યો છે.
યુક્રેનમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી
કિવમાં ભારતીય સમુદાયે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પણ જોવા ગયા હતાં. જ્યાં ફેબ્રુઆરી, 2022 બાદ રશિયા સામેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેઓ યુક્રેનના AV ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પી છે. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.
મોદીની આ મુલાકાતની અસર થશે
યુરોપિયન યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. દુજારિકે કહ્યું કે, છેલ્લા થોડા સમયમાં અનેક મોટા દેશોના નેતાઓ કીવની મુલાકાત લીધી હતી. અમને અપેક્ષા છે કે, મોદીની આ મુલાકાતની અસર જોવા મળશે. જે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.