સિંગાપોર સાથે વડાપ્રધાન મોદીએ કર્યા 4 કરાર, કહ્યું, 'અમે ભારતમાં અનેક સિંગાપોર બનાવવા તૈયાર...'
PM Modi Singapore Visit: ગુરુવારે સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય અને તબીબી ક્ષેત્રો અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસ પર આધારિત છે.
આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે, 'સિંગાપોર દરેક વિકાસશીલ દેશ માટે એક પ્રેરણા છે. અમે પણ ભારતમાં અનેક સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી કે છે આપણે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.'
ક્યાં મુદ્દા પર થયા કરાર?
DPI, સાયબર-સિક્યોરિટી, 5G, સુપર-કમ્પ્યુટિંગ અને AI ટેક્નોલોજી પર એમઓયુ કરવામાં આવ્યા. તેમજ સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓ ભારતમાં રોકાણ સંબંધિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણમાં કૌશલ્ય વિકાસ માટે પણ બંને દેશો દ્વારા કરાર કરવામાં આવ્યા છે.
સિંગાપોર ભારતનું મુખ્ય આર્થિક ભાગીદાર
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સિંગાપોર ભારતીય અર્થવ્યવસ્થામાં અંદાજે $160 બિલિયનના રોકાણ સાથે ભારતનું મુખ્ય આર્થિક ભાગીદાર છે. બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ, શિક્ષણ, AI, ફિનટેક, નવી ટેકનોલોજી ડોમેન્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જ્ઞાન ભાગીદારીના ક્ષેત્રોમાં પણ સમીક્ષા કરી હતી.
ભારત માટે સિંગાપોર શા માટે મહત્ત્વનું છે?
પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર ગયા છે. મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વની છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. તેમજ ભારતનું છઠ્ઠું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. તેમજ ભારતમાં આવતા FDIનો મુખ્ય સ્ત્રોત પણ સિંગાપોર છે.
સિંગાપોર વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંગાપોર પાસે આ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે. આથી આ દરમિયાન પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. તેમજ દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
હાલમાં ભારતનું સંપૂર્ણ ધ્યાન એક્ટ ઈસ્ટ પોલિસી પર છે. ભારતે નવેમ્બર 2014માં 12મી આસિયાન-ઈન્ડિયા સમિટ દરમિયાન આ પોલિસીની શરૂઆત કરી હતી. આ પોલિસીનો ઉદ્દેશ હિંદ મહાસાગરમાં વધતી જતી દરિયાઈ ક્ષમતાનો સામનો કરવાનો અને દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો છે. એવામાં ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ પીએમ મોદીની બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.