વડાપ્રધાન મોદીએ ઈટાલીના PM મેલોની સહિત અનેક નેતાઓને આપી ભેટ, જાણો કોને શું અપાયું
PM Narendra Modi On G20 Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટ દરમિયાન પોતાના સમકક્ષ નેતાઓ માટે અમુક ગીફ્ટ પણ લઈ ગયા હતા. વૈશ્વિક નેતાઓને ગીફ્ટ આપવા માટે વડાપ્રધાન મોદીએ ભારતીય સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વસ્તુઓની પસંદગી કરી હતી. જેમાં મહારાષ્ટ્રમાંથી આઠ, જમ્મુ અને કાશ્મીરમાંથી પાંચ, આંધ્ર અને રાજસ્થાનમાંથી ત્રણ-ત્રણ, ઝારખંડ અને બિહારમાંથી બે-બે અને કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને લદ્દાખમાંથી એક-એક કલાકૃતિઓનો સમાવેશ કર્યો.
G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ ઈટલીના વડાપ્રધાન મેલોની સાથે વાતચીત કરી હતી. આ પછી તેમણે મહારાષ્ટ્રમાં બનાવવામાં આવેલું ચાંદીનું મિણબત્તીનું સ્ટેન્ડ ગીફ્ટમાં આપ્યું હતું. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને એક ચાંદી અને રોઝવુડની સેરેમોનિયલ ફોટોફ્રેમની ગીફ્ટ આપી.
જ્યારે ગયાનાના વડાપ્રધાન માર્ક ફિલિપ્સને રાજસ્થાનની સોનાના કામવાળી લાકડાની રાજ સવારીની મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ગયાનાના રાષ્ટ્રપતિને બિહારની મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીને રાજસ્થાની ફૂલો સાથેની સિલ્વર ફોટોફ્રેમ ભેટમાં આપી હતી.
વડાપ્રધાન મોદીએ પોર્ટુગીઝના વડાપ્રધાન લુઈસ મોન્ટેનેગ્રોને મહારાષ્ટ્રની પરંપરાગત ડિઝાઇન સાથે હાથથી કોતરેલી કાચની ચેસનો સેટ ભેટમાં આપ્યો હતો. તો, વડાપ્રધાન મોદીએ તેમના મિત્ર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને પુણેમાં બનાવેલો એક અમૂલ્ય નીલમ ગીફ્ટમાં આપ્યો, જેના પર ઊંટના માથાની પ્રતિકૃતિ હતી.
વૈશ્વિક કક્ષાના નેતાઓને ભારતની અમુલ્ય ગીફ્ટ
વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલાને વર્લી પેઈન્ટિંગ ગીફ્ટમાં આપવામાં આવી, જે એક આદિવાસી કળા છે. આ કળા મૂળ મહારાષ્ટ્રના દહાનુ, તલસારી અને પાલઘર વિસ્તારોમાં રહેતા વરલી જનજાતિની દેન છે. વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિની પત્નીને આંધ્ર પ્રદેશના કિંમતી પથ્થરોથી જડેલું સિલ્વર કલરનું પર્સ ભેટમાં આપ્યું હતું. બીજી તરફ, મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને કોહવાર પેઇન્ટિંગની ગીફ્ટમાં આપી હતી, જે ઝારખંડ અને બિહારના સહિયારા આદિવાસી જીવન અને સંસ્કૃતિને દર્શાવે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ તેમના ખાસ મિત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને તમિલનાડુની પ્રખ્યાત તંજાવુર પેઇન્ટિંગ ગીફ્ટમાં આપી.