BRICS Summit : 'ભારત-ચીનના સંબંધો વૈશ્વિક શાંતિ માટે જરૂરી', જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન
Image Source: Twitter
Bilateral Meeting Between PM Modi And Xi Jinping: રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ છે. આ સમિટમાં આજે લગભગ પાંચ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશ વચ્ચે અંદાજિત એક કલાક સુધી બેઠક ચાલી હતી. વર્ષ 2020માં ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના મતભેદો વધુ ઘેરા બન્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. હવે બંને દેશો સબંધોમાં આવેલી ખાટાશને દૂર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
'ભારત અને ચીનના સંબંધો વૈશ્વિક શાંતિ માટે જરૂરી'
જિનપિંગ સાથે મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત અને ચીનના સંબંધો વૈશ્વિક શાંતિ માટે જરૂરી છે. દુનિયા માટે આપણાં સંબંધો મહત્વના છે. શાંતિ અને સ્થિરતા આપણી પ્રાથમિકતા છે. આપણે ખુલ્લા મનથી વાત કરીશું. એકબીજા પર ભરોસો સંબંધોનો આધાર બને. એકબીજાનું સન્માન થવું જોઈએ. બોર્ડર પર સહમતિનું સ્વાગત છે.'
વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'બંને દેશોએ સહમતિનું સ્વાગત કર્યું છે. બોર્ડર પર શાંતિ અને સ્થિરતા પર ભાર અપાયો છે.'
બંને નેતાઓ વચ્ચે છેલ્લે 2019માં ઔપચારિક મુલાકાત થઈ હતી
પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે છેલ્લી ઔપચારિક મુલાકાત ઓક્ટોબર 2019માં તમિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં થઈ હતી. આ પહેલા મંગળવારે વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. પીએમ મોદીએ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન સાથે પણ મુલાકાત કરી હતી.
PM મોદીનો વિશ્વને મેસેજ
આ પહેલા પીએમ મોદીએ બ્રિક્સ શિખર સમ્મેલનને સંબોધિત કરી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. પીએમએ કહ્યું હતું કે, 'આજની બેઠકના શાનદાર આયોજન માટે હું પ્રમુખ પુતિનનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હું ખૂબ જ ખુશ છું કે આજે આપણે વિસ્તૃત બ્રિક્સ પરિવાર તરીકે પ્રથમ વખત મળી રહ્યા છીએ. બ્રિક્સ પરિવાર સાથે જોડાયેલા તમામ નવા સભ્યો અને સાથીઓનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.'
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, 'છેલ્લા એક વર્ષમાં રશિયાની સફળ અધ્યક્ષતા માટે પ્રમુખ પુતિનને અભિનંદન પાઠવું છું. મિત્રો આપણી બેઠક એક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધો, સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતા, ક્લાયમેટ ચેન્જ, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમને તોડવાની વાત થઈ રહી છે. મોંઘવારી નિવારણ, અન્ન સુરક્ષા, ઊર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા, ડીપ ફેક, ફેક ન્યૂઝ વગેરે નવા પડકારો બની ગયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે.'
'અમે યુદ્ધ નહીં, વાતચીત-કૂટનીતિના સમર્થક'
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુદ્ધનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે, 'અમે યુદ્ધ નહીં, વાતચીત અને વ્યૂહનીતિનું સમર્થન કરીએ છીએ અને જે રીતે આપણે સાથે મળીને કોવિડ-19 જેવા પડકારને હરાવ્યો છે. એવી જ રીતે અમે ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. આતંકવાદ અને ટેરર ફન્ડિંગનો સામનો કરવા માટે આપણે બધાએ એક મત થઈને દ્રઢતાથી સહયોગ આપવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરતાને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવા જોઈએ. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવું પડશે. એવી જ રીતે સાયબર સિક્યોરિટી, સેફ અને secure AI માટે વૈશ્વિક નિયમો માટે કામ કરવું જોઈએ.'