Get The App

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહીને યુક્રેન જશે, રશિયા સાથે યુદ્ધ ચાલે છે ત્યારે મોદીની યાત્રા મહત્ત્વની છે

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહીને યુક્રેન જશે, રશિયા સાથે યુદ્ધ ચાલે છે ત્યારે મોદીની યાત્રા મહત્ત્વની છે 1 - image


- ઝેલેન્સ્કીએ મોદીને યુક્રેન આવવા આમંત્રણ આપ્યું હતું

- મોદી ત્રીજીવાર વડાપ્રધાન થયા ત્યારે ઝેલેન્સ્કીએ તેઓને અભિનંદન આપ્યાં હતાં : મોદી આ પૂર્વે પુતિનને મળ્યા હતા તે આ સાથે નોંધવું જરૂરી છે

કીવી, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધ ચાલતું હોવા છતાં કીવીની મુલાકાતે જવાના છે. આગામી મહીને તેઓ યુક્રેન જશે ત્યારે ખારકીવની પણ મુલાકાત લેવાના છે.

ઇટાલીમાં મળેલાં જી-૭ સંમેલન સમયે મોદી વોલોડોમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા. તે મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કીએ નરેન્દ્ર મોદીને યુક્રેન આવવા આમંત્રણ આપ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું પણ હતું.

ઉલ્લેખનીય છે કે આ વખતની લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાન પદે મોદી ત્રીજીવાર નિર્વાચિત થયા ત્યારે ઝેલેન્સ્કીએ તેઓને અભિનંદનો પણ આપ્યાં હતાં.

આ વર્ષે માર્ચ મહીનામાં પણ વડાપ્રધાન મોદી અને પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ફોન ઉપર વાતચીત થઇ હતી. જેમાં બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત કરવા વિષે પણ વાત થઇ હતી. તેમાં મોદીએ યુક્રેન-રશિયા વિવાદનો કૂટ-નીતિ દ્વારા ઉકેલ લાવવા ઉપર ભાર મુક્યો હતો. સાથે કહ્યું હતું કે તે વિવાદનો અને સંઘર્ષનો શાંતિમય ઉકેલ શોધવા તેઓ દરેક રીતે પ્રયત્નો કરતા રહેશે.

આ વિવાદનો મંત્રણા દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારત પહેલેથી જ કહેતું આવ્યું છે. સાથે યુનોના ચાર્ટર પ્રમાણે દરેક દેશે બીજા દેશમાં સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઇએ અને બીજા દેશની પ્રાદેશિક અખંડિતતાને માન આપવું જોઇએ તેમ પણ ભારત કહેતું આવ્યું છે.

મહત્ત્વની વાત તે છે કે નરેન્દ્ર મોદીએ આ પૂર્વે રશિયાની પણ મુલાકાત લીધી હતી અને પ્રમુખ પુતિન સાથે યુક્રેન વિવાદ ઉકેલવા અંગે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.

આ ઉપરથી નિરીક્ષકો આશા રાખે છે કે રશિયા પછી મોદીની યુક્રેનની મુલાકાત કદાચ ફળદાયી પણ નીવડે. મોદી તેઓની યુક્રેનની મુલાકાત દરમિયાન કીવ ઉપરાંત જ્યાં ઘમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે તેવાં ખાર્કીવની પણ મુલાકાત લેવા સંભવ છે તેમ વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે.


Google NewsGoogle News