સેમિ કન્ડક્ટરથી માંડીને ડ્રોન સુધી... ભારત અને અમેરિકા વચ્ચે મહત્ત્વની અનેક ડીલ પર હસ્તાક્ષર
PM Modi in USA| વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં તેઓ રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગ્રીનવિલે, ડેલવેર ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ ઉષ્માપૂર્ણ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા બાબતે ચર્ચા કરી હતી. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. બંને દેશો વચ્ચે મહત્ત્વના કરાર પણ થયા હતા. ચાલો જાણીએ કે અમેરિકા અને ભારત વચ્ચે શું ડીલ થઈ.
MQ-9B ડ્રોન ડીલ
બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા થઈ હતી, જેમાં ડ્રોનની ખરીદી મહત્ત્વપૂર્ણ છે. ભારત અમેરિકા પાસેથી 31 નંગ ‘જનરલ એટોમિક્સ MQ-9B’ ડ્રોન 3.99 બિલિયન અમેરિકી ડોલરમાં ખરીદી રહ્યું છે. એ પૈકીના 15 ‘સી ગાર્ડિયન’ ડ્રોન ભારતીય નૌકાદળને મળશે, બાકીના 16 ‘સ્કાય ગાર્ડિયન’માંથી આઠ ડ્રોન ભારતીય વાયુસેનાને અને આઠ ડ્રોન આર્મીને મળશે. ભારતીય સેનામાં આ અત્યાધુનિક ડ્રોનના સમાવેશથી ભારતના સશસ્ત્ર દળોની ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને વેગ મળશે.
શું છે આ ડ્રોનની ખાસિયત?
- MQ-9B પ્રિડેટર ડ્રોન બિલકુલ અવાજ કર્યા વિના ઉડે છે, જેથી દુશ્મનો આસાનીથી એની હાજરી પારખી શકતા નથી.
- આ ડ્રોન જમીનથી લગભગ 50,000 ફૂટ ઊંચે સુધી ઉડી શકે છે. આટલી ઊંચાઈ તો કોમર્શિયલ ફ્લાઇટ પણ નથી ઉડતી. ડ્રોનની ટોપ સ્પીડ 442 કિમી પ્રતિ કલાક છે.
- આ ડ્રોન ગમે એવા ખરાબ હવામાનમાં પણ લાંબા મિશન પર જવાની ક્ષમતા ધરાવે છે.
- આ ડ્રોન લગભગ 1,700 કિલો પેલોડ લઈ જઈ શકે છે. તેમાં ચાર મિસાઈલ અને 450 કિલો બોમ્બ સામેલ છે. એને હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો ઉપરાંત હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલોથી પણ સજ્જ કરી શકાય છે.
- તે એક જ રિફ્યુઅલિંગ પર 2,000 માઈલ સુધી સતત મુસાફરી કરી શકે છે. ડ્રોન વિના અટક્યે 35 કલાક સુધી ઉડી શકે છે અથવા એક જગ્યાએ હૉવર કરી શકે છે.
C-130 J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ
મોદી અને બાઇડેને લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ વચ્ચેના સંયુક્ત કરાર અંગે પણ ચર્ચા કરી હતી. C-130 J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ માટેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
INDUS-X પર ચર્ચા
મુલાકાત દરમિયાન બંને નેતા દ્વારા 2023માં લોન્ચ કરવામાં આવેલ ‘ઇન્ડિયા-યુએસ ડિફેન્સ એક્સિલરેશન ઇકોસિસ્ટમ’ (INDUS-X) પહેલ થકી બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સહયોગની પણ પ્રશંસા કરાઈ હતી. તેમણે સપ્ટેમ્બરમાં સિલિકોન વેલીમાં 3જી ઇન્ડસ એક્સ સમિટ દરમિયાન પ્રાપ્ત થયેલી પ્રગતિની પણ ચર્ચા કરી હતી.
રાજસ્થાનમાં દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ
પીએમ મોદી અને યુએસ પ્રમુખ બાઇડેને સંરક્ષણ કવાયત દરમિયાન નવી ટેક્નોલોજી અને ક્ષમતાઓને સામેલ કરવા બાબતે ચર્ચા કરી હતી. રાજસ્થાનમાં ચાલી રહેલી દ્વિપક્ષીય યુદ્ધ કવાયત દરમિયાન ભારતમાં જેવલિન અને સ્ટ્રાઈકર સિસ્ટમનું પહેલીવાર પ્રદર્શન થઈ રહ્યું છે.
કોલકાતામાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટ
કોલકાતામાં નવા સેમિ કન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની સ્થાપના અંગે પણ ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ રાષ્ટ્રીય સુરક્ષા, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન્સ અને ગ્રીન એનર્જી એપ્લિકેશન્સ માટે એડવાન્સ સેન્સિંગ, કોમ્યુનિકેશન્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ પર કેન્દ્રિત નવા સેમિ કન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની સ્થાપના માટે વોટરશેડ વ્યવસ્થાને બિરદાવી હતી. આ પ્લાન્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના સમર્થન સાથે તેમજ ભારત સેમિ, થર્ડ આઈ ટેક અને યુએસ સ્પેસ ફોર્સ વચ્ચે વ્યૂહાત્મક ટેક્નોલોજીની ભાગીદારી સાથે સ્થાપિત કરવામાં આવશે.
સુરક્ષા પરિષદમાં ભારતનું સભ્યપદ
વાતચીત દરમિયાન બાઇડેને કહ્યું હતું કે, યુએન સુરક્ષા પરિષદમાં ભારત માટે સ્થાયી સભ્યપદનું અમેરિકા સમર્થન કરે છે. પીએમ મોદીએ તાજેતરમાં પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લઈને શાંતિ અને માનવતાવાદી અભિગમ દાખવ્યો એ બદલ અમેરિકી રાષ્ટ્રપતિએ તેમની પ્રશંસા કરી હતી.
ગ્રીન એનર્જી
બંને નેતાઓએ સુરક્ષિત વૈશ્વિક સ્વચ્છ ઉર્જા પુરવઠા શૃંખલા બનાવવા માટે યુએસ-ભારત રોડમેપના વખાણ કર્યા હતા. પ્રારંભિક તબક્કામાં બંને દેશો રિન્યુએબલ એનર્જી, એનર્જી સ્ટોરેજ, પાવર ગ્રીડ અને ટ્રાન્સમિશન ટેક્નોલોજી, ઉચ્ચ કાર્યક્ષમતા કૂલિંગ સિસ્ટમ્સ, શૂન્ય ઉત્સર્જન વાહનો વગેરે પર કામ કરશે.