રશિયા સાથે ભારતના ગાઢ સંબંધ, છતાં કેમ યુક્રેન જઈ રહ્યા છે PM મોદી? સમજો સમીકરણ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
PM Modi Zelenskyy

PM Modi to visit Ukraine : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે. આ માહીતી આપતાં વિદેશ મંત્રાલય જણાવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, મોદીની યુક્રેનની આ પહેલી મુલાકાત બની રહેશે.

નિરીક્ષકોને પણ મોદીની આ મુલાકાતથી આશ્ચર્ય થયું છે. તેઓ કહે છે, ભારત-રશિયા વચ્ચે દાયકાઓ જૂના ગાઢ સંબંધો છે. તે જાણતા હોવા છતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ તેઓને યુક્રેનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું અને તે આમંત્રણ સ્વીકારી મોદી યુક્રેન જવાના છે. તે જ દર્શાવે છે કે મોદીની તટસ્થતા અને દૂર-અંદેશિતાની યુક્રેન પણ કેટલી સરાહના કરે છે.

એક મહિના પૂર્વે નરેન્દ્ર મોદીએ મોસ્કોની મુલાકાત લઈ પ્રમુખ પુતિન સાથે પણ યુક્રેન-યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો કર્યા હતા. તે પછી તેઓ તુર્ત જ યુક્રેન ન ગયા. પરંતુ એકાદ મહિનાનો સમય જવા દઈ બંને દેશો પરિસ્થિતિનો પૂરો અભ્યાસ કરી લે તે પછી મોદીની યુક્રેનની મુલાકાત તે યુદ્ધમાંથી માર્ગ કાઢી શકશે, તેવી આશા બંધાઈ રહી છે. જોકે મોદીની યુક્રેનની મુલાકાત અંગેની વિગતો હવે પછી જાહેર કરાશે તેમ વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે.

યુક્રેન યુદ્ધને લીધે પશ્ચિમના દેશોએ રશિયા ઉપર જાત-જાતના પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ રશિયાના મિત્ર દેશો ચીન અને ભારતે તેની સાથે વ્યાપાર ચાલુ જ રાખ્યો છે.

ભારતે આ યુદ્ધમાં રશિયા ઉપર દોષારોપણ કરવાનું નિવાર્યું છે. સાથે બંને દેશોને વિવાદનો ઉકેલ મંત્રણા અને રાજદ્વારી ગતિવિધીથી લાવવા અનુરોધ કર્યો છે.

રશિયા સાથે વધતી ભારતની નિકટતાથી અમેરિકા સહિત પશ્ચિમના દેશો ભારત પ્રત્યે નારાજ છે. તેમાંયે જ્યારે અમેરિકા, ચીનની સામે ભારતને કાઉન્ટર-વેઈટ તરીકે રાખવા માગે છે, ત્યારે ચીનનાં મિત્ર રશિયા સાથેની ભારતની નિકટતા અમેરિકા સહિત પશ્ચિમના દેશોને ખૂંચે તે સહજ છે. બીજી તરફ ભારત તેના દાયકાઓ જૂનાં મિત્ર રશિયા સાથે સંબંધો મજબૂત રાખવા સાથે પશ્ચિમના દેશો સાથે પણ સંબંધો જાળવવા માગે છે.


Google NewsGoogle News