ઈટાલીમાં યોજાનારી જી-7 પરિષદમાં વડાપ્રધાન મોદી પ્રમુખ જો-બાયડેનને મળવાના છે : જેક સુલિવાન
- વડાપ્રધાન મોદી ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયુ મેલોની સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે : વિદેશ સચિવ વિનય મોહન કવાત્રા
વોશિંગ્ટન, નવીદિલ્હી : અમેરિકાના નેશનલ સિક્યોરીટી એડવાઇઝર જેક સુલિવાને પત્રકારોને જણાવ્યું હતું કે, ઈટાલીમાં યોજાનારી જી-૭ પરિષદ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રમુખ જો બાયડેન સાથે મંત્રણા યોજશે. તેવી પૂરી આશા રાખવામાં આવી છે.
ઉડતા કિલ્લા સમાન અમેરિકાના વિમાન એરફોર્સ વિમાનમાં જો બાયડેન આગળની બાજુએ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠા હતા. પછી કાચનું દ્વારવાળું ડીવાઈડરની પાછળની બાજુએ પત્રકારોને કરેલાં સંબોધનમાં સુલિવાને કહ્યું હતું કે જી-૭ પરિષદ દરમિયાન પ્રમુખ બાયડેન વડાપ્રધાન મોદી સાથે મંત્રણા યોજશે. તે લગભગ નિશ્ચિત છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ડી-ડેની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ બાયડેન, પેરીસમાં હતા ત્યારે વડાપ્રધાન મોદીના વિજયની માહિતી મળતા પ્રમુખ બાયડેને તૂર્ત જ ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનો આપ્યાં હતાં.
બીજી તરફ ભારતના વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું હતું કે ગુરૂવારે વડાપ્રધાન મોદી તેઓની ત્રીજી ટર્મની શરૂઆત પછી લગભગ તુર્ત જ ગુરૂવારે વિદેશ યાત્રાએ જવાના છે.
વાસ્તવમાં ભારત કૈં જી-૭ જૂથમાં સભ્યપદે નથી. પરંતુ ઈટાલીમાં યોજાનારી જી-૭ દેશોની પરિષદમાં ઉપસ્થિત રહેવા ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ વિશેષ આમંત્રણ આપ્યું હતું તેને માન આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે પરિષદમાં હાજરી આપવાના છે. સહજ રીતે જ વડાપ્રધાન મોદી ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની સાથે મંત્રણા કરવાનાં છે.