આઠ ભારતીયોની મુક્તિ બદલ કતારનો આભાર માન્યો પીએમ મોદીની કતારના અમીર સાથે બેઠક
- દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સહિતના મુદ્દે ચર્ચા
- દ્વિપક્ષીય વેપાર, રોકાણ, ઉર્જા અને અંતરીક્ષ ક્ષેત્રે સહયોગ વધારવા બંને નેતાઓ સહમત
દોહા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચે ઉર્જા, અંતરીક્ષ, દ્વિપક્ષીય વેપાર સહિતના મુદ્દે સહમતી બની હતી. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા નિર્ધાર વ્યક્ત થયો હતો.
પીએમ મોદીએ આઠ ભારતીયોને મુક્ત કરવા બદલ કતાર સરકાર અને અમીર શેર તમીમ બિનનો આભાર માન્યો હતો અને કતાર સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, કતારમાં રહેતા ભારતીય સમુદાયને ધ્યાનમાં રાખીને કતારની સરકાર જે નિર્ણયો કરે છે તેની સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી કતાર મુલાકાત છે. અગાઉ જૂન-૨૦૧૬માં મોદી પહેલી વખત કતાર ગયા હતા. યુએઈની બે દિવસની મુલાકાત બાદ પીએમ મોદી કતારના પાટનગર દોહામાં પહોંચ્યા હતા અને મેજેસ્ટિક અમીરી પેલેસમાં શેખ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. મોદીએ આ મુલાકાતને અદ્ભુત ગણાવી હતી.
પીએમ મોદીએ અમીર તમીમ બિન હમાદ સાથે મુલાકાત કરી તે પહેલાં કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન સાથે પણ સંવાદ કર્યો હતો અને ડેપ્યુટી અમીર અબ્દુલા બિન હમાદને મળ્યા હતા. કતાર અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રો જેવા કે ઉર્જા, અંતરીક્ષ, ટેકનોલોજી, વેપાર, રોકાણ વગેરેના મુદ્દે સહમતી બની હતી. કતાર-ભારત વચ્ચે કુદરત ગેસનો કરાર ૨૦૨૯ સુધી લંબાવાયો હતો. દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવા બંને દેશોના વડાઓએ કટિબદ્ધતા દર્શાવી હોવાનું કતારના વિદેશ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.