AIથી નોકરીઓ નહીં જાય પણ કામ કરવાની પદ્ધતિ બદલાશે, વડાપ્રધાન મોદીનું પેરિસમાં સંબોધન
PM Modi France Visit: ’આપણે એઆઈ ટેક્નોલોજીના વિકાસની સાથે તેના ઉપયોગથી થતી છેતરપિંડીથી પણ સતર્ક રહેવું જોઈએ. એઆઈના કારણે નોકરી ગુમાવવાનો કોઈ ભય નથી, પરંતુ નોકરી કરવાની પદ્ધતિમાં મોટા ફેરફારો જરૂર થશે. આપણે આ માટે તૈયાર રહેવાની જરૂર છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસ અંગે કરેલા સંબોધનમાં આ વાત કરી હતી.
એઆઈના ભવિષ્ય વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રે ભારત તેના અનુભવ અને કૌશલ્યની ભાગીદારી કરવા સજ્જ છે. એઆઈનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ તે અન્ય કરતાં અલગ ટેક્નોલોજી હોવાથી તેમાં સતર્ક રહેવાની જરૂર છે. ભારત એઆઈ અપનાવવાની સાથે ટેક્નો-લીગલના આધારે ડેટા પ્રાઈવસી રાખવામાં પણ આગળ છે. અમે જાહેર કલ્યાણ માટે એઆઈ એપ્લિકેશન્સ વિકસિત કરી રહ્યા છીએ. ભારતે પોતાના 1.4 અબજથી વધુ લોકો માટે ઓછા ખર્ચે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. જો કે, આપણે એઆઈ સંબંધિત મુદ્દા ઉકેલવા માટે વૈશ્વિક માપદંડોની જરૂર છે.'
ઓપન સોર્સ સિસ્ટમ વિકસિત કરવાનું સૂચન
વડાપ્રધાન મોદીએ એઆઈ સમિટનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'એઆઈ સમિટમાં મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના પ્રમુખનો આભાર. એઆઈએ અમારું અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને નવો આકાર આપ્યો છે. એઆઈ આ સદીમાં માનવતાના સિદ્ધાંતો એટલે કે હ્યુમન કોડ લખી રહ્યું છે. આપણે આપણા સંસાધનો અને પ્રતિભાઓને એકમંચ પર લાવવી જોઈએ. ઓપન સોર્સ સિસ્ટમ વિકસિત કરવી જોઈએ, જે વિશ્વાસ અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે. આપણે સાયબર સુરક્ષા, ખોટી માહિતી તેમજ ડીપફેક સંબંધિત ચિંતાઓને પણ દૂર કરવી જોઈએ.'
નોકરીની આખી પદ્ધતિ જ બદલાઈ જશે
એઆઈના કારણે નોકરીઓ ગુમાવવાના ભય મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'એઆઈના લીધે ઘણા લોકોને નોકરી ગુમાવવાનો ભય છે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, ટેક્નોલોજીના કારણે કામ ગુમાવવું પડતું નથી, પરંતુ કામ કરવાની રીત બદલાય છે. નવી નોકરીઓનું સર્જન થાય છે. ભવિષ્ય માટે આપણે લોકોના સ્કિલ અને રિ-સ્કિલમાં રોકાણ કરવાની જરૂર છે.'