સંસ્કૃત શ્લોકોથી વડાપ્રધાન મોદીનું બ્રાઝિલમાં ભવ્ય સ્વાગત : મન ખોલીને ભારતવંશીઓને મળ્યા
- ભાગ્યે જ કોઈ નેતાએ આટલી લોકચાહના મેળવી હશે
- 19થી 21 તેઓ દ.અમેરિકાના ગુયાનાની મુલાકાતે જશે, તેવો ગુયાનાના ભારતવંશીય પ્રમુખ મોહમ્મદ ઇરફાનના આમંત્રણથી જવાના છે
રાયો દ'જીજારો : વિશ્વનાં અત્યંત સુંદર સ્થળો પૈકીનાં એક એટલાંટિક મહાસાગરનાં તટે વસેલાં પર્વતીય નગર રાયોદ'જાજારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જી-૨૦ પરિષદમાં ભાગ લેવા આવી પહોંચ્યા ત્યારે વિમાનગૃહે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું. ગાર્ડ-ઓફ ઓનર સાથે સ્વાગત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિમાનગૃહનાં મકાનમાંથી બહાર આવ્યા ત્યારે ઉપસ્થિત ભારતીયવંશના લોકોએ તેઓનું સંસ્કૃતના શ્લોકોથી સ્વાગત કર્યું. આ પછી વડાપ્રધાન ખુલ્લાં મને ઉપસ્થિત ભારતવંશીઓને મળ્યા.
ઉલ્લેખનીય છે કે આ પરિષદમાં દુનિયાના ૨૦ મહત્ત્વના દેશો ઉપરાંત આફ્રિકન યુનિયન પ્રમુખ પણ ઉપસ્થિત રહેનાર છે. પરંતુ, કોઈ પણ દેશના લોકોએ મોદીને ભારતીયોએ જેટલા ભાવથી વધાવ્યા તેટલા ભાવથી વધાવ્યા હોવાનું જાણવા મળ્યું નથી.
નરેન્દ્ર મોદી તા. ૧૮-૧૯ નવેમ્બર અહીં યોજાનારી જી-૨૦ની ૧૯મી પરિષદમાં ઉપસ્થિત રહેશે.
મોદીએ અહીં આવતાં બ્રાઝિલના લોકોએ પણ તેઓ પ્રત્યે દર્શાવેલા ભાવ માટે, તેઓનો આભાર માન્યો હતો. મોદીને આવકારવા ભારતીયો વિમાનગૃહે પહોંચ્યા ત્યારે તેમની સાથે બ્રાઝિલના પણ નાગરિકો જોડાયા હતા, તે ઉલ્લેખનીય છે. મોદીએ કહ્યું તમારી હાજરી ભારત અને બ્રાઝિલના લોકો વચ્ચેનાં ભાવનાત્મક ગઠબંધનની દ્યોતક બની રહી છે.
ધઠધ પ્લેટફોર્મ પર મોદીએ લખ્યું જી-૨૦ શિખર પરિષદમાં તેઓ વિશ્વ નેતાઓને મળવાની આશા રાખે છે.
આ પરિષદમાં અમેરિકાના પ્રમુખ જો બાયડેન, ફ્રાંસના મેક્રો, ચીનના પ્રમુખ શી જીન-પિંગ વગેરે ઉપસ્થિત રહેવાના છે.
તા. ૧૮-૧૯ની જી-૨૦ પરિષદ પૂરી થયા પછી, વડાપ્રધાન બ્રાઝિલની ઉત્તરે રહેલાં ગુયાનાની મુલાકાતે જવાના છે. તેઓને ગુયાનાના ભારતવંશીય પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ, મુલાકાત લેવા આપેલાં આમંત્રણને માન આપી તેઓ જ્યોર્જ ટાઉન (ગુયાનાનાં પાટનગર) જશે. તેઓ છેલ્લાં ૫૦ વર્ષમાં ગુયાનાની મુલાકાતે જનારા ભારતના પહેલા વડાપ્રધાન હશે.
નવી દિલ્હીથી જી-૨૦ પરિષદમાં જવા માટે ઉપડતાં પૂર્વે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે બ્રાઝિલે ભારતની પરંપરાને ચાલુ રાખી આ પરિષદ યોજી છે. તેના પ્રમુખ લુલા આપણાં એક વિશ્વ એક કુટુમ્બ, એક ભવિષ્યનું દર્શન આગળ ધપાવવાના છે. આ પરિષદમાં મને વિશ્વ નેતાઓ સાથેની વાતચીતમાં પરસ્પરનાં મંતવ્યો, જાણવાની તક મળશે, દ્વિપક્ષીય-સંબંધો પ્રબળ કરવાની પણ તક મળશે.
જી-૨૦ જૂથમાં ૫૫ દેશોનાં બનેલાં આફ્રિકન યુનિયનને પણ સ્થાન અપાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, તેમ કહી શકાય.