ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું
PM Modi Russia Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 8 જુલાઇ અને 9 જુલાઇ એમ રશિયાના બે-દિવસીય પ્રવાસ પર છે. અહીં વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ સાથે 22માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી મોસ્કો પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર રશિયાના પ્રથમ ઉપ-વડાપ્રધાન ડેનિસ મંટુરોવે તેમનું સ્વાગત કર્યું હતું તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરાયા હતા. રશિયાના સંમેલનમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રીયાની મૂલાકાતે પણ જશે.
મોસ્કો એરપોર્ટ પર વડાપ્રધાનન ભવ્ય સ્વાગત
વડાપ્રધાન મોદી ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું રશિયાના પ્રથમ ઉપ-વડાપ્રધાન ડેનિસ મંટુરોવે ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપરાતં એરપોર્ટ પર તેમના સ્વાગતમાં રશિયાનું રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શું છે આ સંમેલનનું મહત્ત્વ?
ભારત-રશિયા સંબંધો માટે આ સંમેલન ખુબ જ મહત્ત્વનું છે. આ સંમેલન દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિ-પક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે. શક્યતા છે કે બંને દેશો રક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં વેપાર વધારવા અંગે મહત્ત્વના નિર્ણયો લઇ શકે છે. રશિયા બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રીયા પણ જશે.
વડાપ્રધાને આ પ્રવાસ અંગે શું કહ્યું?
આ પ્રવાસ અંગે જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પાછલા દસ વર્ષોમાં આગળ વધી છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહયોગના બધા પાસાઓની સમીક્ષા કરવા ઉત્સાહિત છું. ઉપરાંત વડાપ્રધાને ઓસ્ટ્રિયાને પણ ભારતનો મજબુત અને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યો હતો.
પુતિન સાથે કરશે રાત્રિભોજન
વડાપ્રધાન બે-દિવસીય પ્રવાસના કાર્યક્રમ અનુસાર આજે વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે એક બેઠકમાં ભાગ લેશે. ત્યાર બાદ બંને નેતા સાથે રાત્રિભોજન કરશે. આ એક પ્રાઇવેટ ડિનર હશે. આ ડિનરનું આયોજન પુતિને મોસ્કો બહાર હોલિડે હોમના રૂપે જાણીતા ભવનમાં કર્યું છે.