અબુ ધાબીમાં હિન્દુ મંદિરના ઉદ્ધાટન બાદ વડાપ્રધાને કહ્યું- 'હું માં ભારતીનો પુજારી છું, આ વાતનો મને ગર્વ છે'
PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું. આ અબુ ધાબીમાં પથ્થરોથી બનેલું પહેલું હિન્દુ મંદિર છે. મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કરી હતી. બાદમાં વડાપ્રધાને BAPS આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજના પગે લાગ્યા હતા.
યુએઈની ધરતીએ માનવી ઈતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખ્યોઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ અબુ ધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરના ઉદ્ધાટન બાદ કહ્યું કે, યુએઈની ધરતીએ માનવીય ઈતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. વસંત પંચમીનો પર્વ માં સરસ્વતીનો પર્વ છે. મને આશા છે કે મંદિર સારા ભવિષ્ય માટે વસંતનું સ્વાગત્ કરશે. મંદિર વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
યુએઈના રાષ્ટ્રપતિએ ભારતીયોનું દિલ જીત્યુંઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને યુએઈના રાષ્ટ્રપતિના વખાણ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, મંદિરનું સપનું સાકાર કરવામાં સૌથી મોટી ભૂમિકા મારા બ્રધર અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની છે. યુએઈના રાષ્ટ્રપતિએ 140 કરોડ ભારતીયોનું દિલ જીત્યું. ભારત અને યુએઈની મિત્રતાને આખી દુનિયામાં વિશ્વાસના રૂપમાં જોવામાં આવે છે. ભારત પોતાના સંબંધોને વર્તમાન સંદર્ભમાં જ નથી જોતું. તેના મૂળ સેંકડો વર્ષ જૂના છે. અબુ ધાબીમાં બનેલું પહેલું હિન્દુ મંદિર શેયર્ડ હેરિટેજનું પ્રતીક છે.
અબુ ધાબીમાં વડાપ્રધાને કર્યો રામ મંદિરનો ઉલ્લેખ
અબુ ધાબીમાં વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તાળીયોના ગડગડાટથી અક્ષર પુરુષોત્તમ મંદિર ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું વર્ષો જૂનું સપનું પુર્ણ થયું. આખું ભારત અને તમામ ભારતીયો તેમાં હજુ પણ ડુબેલા છે.
મંદિરની દિવાલો પર કુરાનની કહાનીઓનું પણ થયું નક્શીકામ : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અબુ ધાબીમાં બનેલા મંદિરની વિવિધતામાં વિશ્વાસની ઝલક જોવા મળશે. મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મની સાથે કુરાનની કહાનીઓ પણ દર્શાવાઈ છે.
કણ-કણ માત્રને માત્ર માં ભારતી માટે છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પરમાત્માએ મને જેટલો સમય આપ્યો છે, તેની દરેક ક્ષણ અને પરમાત્માએ જે શરીર આપ્યું છે, તેનું કણ-કણ માત્રને માત્ર માં ભારતી માટે છે. 140 કરોડ દેશના લોકો મારા આરાધ્ય દેવ છે. હું મા ભારતીનો પુજારી છું તેનો મને ગર્વ છે.