રશિયામાં 'સર પે લાલ ટોપી' ગીત ગવાતું, એ ભલે જૂનું થયું પણ લાગણી હજુ એવી જ છે: PM મોદી
image : IANS |
PM Narendra Modi in Russia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે (8 જુલાઈ) મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે.
રશિયામાં 2 નવા કોન્સ્યુલેટ્સ ખુલશે
વડપ્રધાન મોદી આગળ બોલતા કહ્યું કે 'હું આજે તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. રશિયાના કઝાન અને યાકિટારિમ્બર્ગમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. જેનાથી અહીં આવવા જવા તેમજ વ્યાપાર વધુ સરળ બનશે.' વધુમાં કહ્યું કે 'રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિ પુતિનના 20 વર્ષના શાસન દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત-રશિયા મિત્રતા હંમેશા સકારાત્મક છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીએ બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.'
ભારત અને રશિયાની મિત્રતા સદાબહાર
વડાપ્રધાન મોદીએ પોતાની અગાઉની મુલાકાતની વાત કરતા જણાવ્યું કે 'છેલ્લા 10 વર્ષમાં છ વખત રશિયા આવ્યો છું અને અમે (પુતિન) છેલ્લા દસ વર્ષમાં 17 વખત મળ્યા છીએ. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું, ભારત અને રશિયા ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે અનોખો સંબંધ છે. હું રશિયા સાથેના અનોખા સંબંધોનો ચાહક છું. બંને દેશો વચ્ચે મિત્રતા હંમેશા અકબંધ રહેશે. દર વખતે અમારી મિત્રતા વધુ મજબૂત બની છે. રશિયન ભાષામાં druzhbaનો અર્થ હિન્દીમાં મિત્રતા થાય છે. આ શબ્દ બંને દેશો વચ્ચેના સંબંધોને દર્શાવે છે.'
રશિયા ભારતના સુખ-દુઃખનું સાથી
ભારત અને રશિયાના સંબંધોની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ભારતીય સમુદાયના લોકો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છે. રશિયા ભારતના સુખ-દુઃખનું સાથી છે. ભારત અને રશિયાની મિત્રતા હંમેશા ઉષ્માભરી રહી છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસના આધારે બનેલો છે. અહીં ઘરે ઘરે સર પે લાલ ટોપી રુસી...ગીત ગવાતું, આ ગીત ભલે જૂનું થઈ ગયું હોય પણ લાગણી હજુ પણ એવી જ છે. હું ભારત-રશિયા સંબંધોનો ચાહક છું. અમારા સંબંધોની મજબૂતાઈ ઘણી વખત ચકાસવામાં આવી છે અને દરેક વખતે વધુ મજબૂત બની છે.'
પડકારોને પડકારવાનું મારા DNAમાં છે
પડકારને પડકારવું મારા ડીએનએમાં છે. અમે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આગામી 10 વર્ષમાં સેમિકન્ડક્ટરથી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન વ્હિકલ સુધીની ભારતની નવી ગતિ વિશ્વના વિકાસનું પ્રતીક બની રહેશે. વિશ્વ વિકાસનું પ્રકરણ લખશે. વૈશ્વિક સ્તરે 15 ટકા વિકાસમાં ભારતનો હિસ્સો છે. આવનારા સમયમાં વધુ વિસ્તરણ થવાની ખાતરી છે.
ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી મોટું મોડલ
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 'ભારત તેના 140 કરોડ નાગરિકોની સામર્થ્ય પર વિશ્વાસ રાખે છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોની ક્ષમતા પર વિશ્વાસ અને ગર્વ છે. જેના કારણે ભારત બદલાઈ રહ્યું છે. ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી મોટું મોડલ છે. આજે ભારત સખત મહેનત કરી રહ્યું છે. વિદેશમાં રહેતા ભારતીયોને આજે ભારત પર ગર્વ છે. દેશવાસીઓએ વિકસિત ભારતીયો માટે સંકલ્પ લીધો છે. '
ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાને એક મહિનો થયો : PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 'આજે હું અહીં એકલો નથી આવ્યો પરંતુ મારી સાથે દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. આજે 9મી જુલાઈ છે, આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે મેં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ રીતે મને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે.
અમારે ત્રણ ગણી ઝડપે કામ કરવું પડશે
ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'મેં શપથ લીધા હતા કે જો હું ત્રીજી વખત વડાપ્રધાન બનીશ તો ત્રણ ગણી ઝડપે કામ કરીશ. અમારે ત્રણ ગણી ઝડપે કામ કરવું પડશે. અમારો ઉદ્દેશ્ય ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે. ત્રણ કરોડ લાખપતિ દીદી બનાવવાનું છે. ગરીબો માટે ત્રણ કરોડ ઘર બનાવવાના છે.'