Get The App

PM મોદી નાઈજિરિયાના બીજા સૌથી મોટા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
pm modi in nigeria


નાઈજિરિયામાં ભારતીય કંપનીઓ બીજી સૌથી મોટી રોજગારી સર્જક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસના ભાગરૂપે રવિવારે નાઈજિરિયા પહોંચ્યા હતા. નાઈઝિરિયામાં પીએમ મોદીનું 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈઝર' એવોર્ડથી સન્માન કરાયું હતું. આ નાઈજિરિયાનો બીજો સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ છે. નાઈજિરિયાના પ્રમુખ બોલા ટિનુબુના હસ્તે એવોર્ડ સ્વિકારતાં પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર તેમનું નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 વર્ષ પછી નાઈજિરિયા પહોંચનારા ભારતના પહેલા વડાપ્રધાન છે. તેમણે નાઈજિરિયાના પ્રમુખ બોલા અહેમદ ટિનુબુ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે, ભારત નાઈજિરિયા સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીને વિશેષ પ્રાથમિક્તા આપે છે અને તે સંરક્ષણ, ઊર્જા અને વ્યાપાર સહિત અનેક ક્ષેત્રોમાં સંબંધો વધારવાની દિશામાં કામ કરશે. ભારત નાઈજિરિયાને વર્તમાન રાહત પ્રયાસોના ભાગરૂપે ૨૦ ટન માનવીય સહાય સામગ્રી મોકલશે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મોદીએ નાઈજિરિયાને કૃષિ, પરિવહન, સસ્તી દવાઓ, વૈકલ્પિક ઊર્જા અને ડિજિટલ પરિવર્તનની બાબતોમાં ભારતના અનુભવોનો લાભ ઉઠાવવાની રજૂઆત કરી હતી. પ્રમુખ ટિનુબુએ ભારત દ્વારા પ્રસ્તાવિત વિકાસ સહયોગ ભાગીદારી તથા સ્થાનિક ક્ષમતા, કૌશલ અને કમર્શિયલ એક્સપર્ટાઈઝના સર્જનમાં તેના સાર્થક પ્રભાવની પ્રશંસા કરી હતી.

નાઈજિરિયાને સહાયના ભાગરૂપે ભારત ૨૦ ટન માનવીય સહાય સામગ્રી મોકલશે : રોકાણ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારાશે

પીએમ મોદીએ કહ્યું કે આફ્રિકા ખંડમાં નાઈજિરિયા ખૂબ જ મોટી અને સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે અને આફ્રિકા સાથે સહયોગ ભારત માટે પ્રાથમિક્તાનો મુદ્દો છે. પ્રમુખ ટિનુબુ સાથેની બેઠકમાં પીએમ મોદીએ આતંકવાદ, અલગતાવાદ, ચાંચિયાગીરી અને ડ્રગ્સની હેરાફેરીને મુખ્ય પડકારો ગણાવ્યા હતા અને બંને દેશો આ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે તેમ કહ્યું હતું.

પશ્ચિમ આફ્રિકામાં પીએમ મોદીના આ પ્રવાસના મહત્વ અંગે નાઈજિરિયામાં ભારતીય હાઈકમિશનર જી. બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, આફ્રિકામાં નાઈજિરિયા સૌથી વધુ વસતી ધરાવતા રાષ્ટ્રોમાંનું એક છે અને તેનું અર્થતંત્ર પણ ભારત માટે મહત્વનું ભાગીદાર છે. નાઈજિરિયામાં ૨૦૦થી વધુ ભારતીય કંપનીઓએ અંદાજે 27 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને તેઓ નાઈજિરિયાની સરકાર પછી દેશમાં બીજા ક્રમની સૌથી મોટી રોજગાર સર્જક છે.

આ પહેલાં ઑક્ટોબર 2007માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે આફ્રિકન દેશોના પ્રવાસ સમયે ભારત-નાઈજિરિયાના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'નો દરજ્જો આપ્યો હતો. નાઈજિરિયા છ દાયકા કરતાં વધુ સમયથી ભારતનું નજીકનું ભાગીદાર રહ્યું છે.

પીએમ મોદી ત્રણ દેશોના પાંચ દિવસના પ્રવાસના ભાગરૂપે રવિવારે નાઈજિરિયા પહોંચ્યા હતા. અબુજાથી તેઓ ૧૮-૧૯ નવેમ્બરે જી-૨૦ શિખર મંત્રણામાં ભાગ લેવા બ્રાઝિલના રિયો ડી જાનેરિયો પહોંચશે. પ્રવાસના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુયાનાની મુસાફરી કરશે.


Google NewsGoogle News