વડાપ્રધાન મોદીએ 2023માં જિલ બાયડેનને અતિ મૂલ્યવાન હીરાનો હાર ભેટમાં આપ્યો
- અમેરિકાના પ્રમુખ અને ફર્સ્ટ લેડીને લાખ્ખો ડોલર્સની ગિફટ, વિદેશી મહાનુભાવો આપે છે, પરંતુ 7.5 કેરેટના હીરાનો હાર સૌથી વધુ કિંમતી છે
વૉશિંગ્ટન : પ્રમુખ જો બાયડેન અને તેઓનાં કુટુમ્બીજનોને ૨૦૨૩નાં વર્ષમાં લાખ્ખો ડોલર્સની ભેટો મળે છે. ૨૦૨૩માં પણ તેઓને લાખ્ખો ડોલર્સની ભેટો મળી હતી. તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાયડેનને આપેલી ૨૦,૦૦૦ ડોલર્સની ગિફટ-હીરાનો હાર સૌથી વધુ કિંમતી છે.
૭.૫ કેરેટના હીરાનો હાર વડાપ્રધાન મોદીએ આપ્યો ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પૂર્વે યુક્રેનના એમ્બેસેડેરે એક બ્રેસ્લેટ અને એક બ્રોશ તેઓને ભેટ આપ્યું હતું. જ્યારે ઈજીપ્તના પ્રમુખ અને ફર્સ્ટ લેડી અમેરિકાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે ઈજીપ્તનાં ફર્સ્ટ લેડીએ યુએસનાં ફર્સ્ટ લેડીને ૪,૫૦૧ ડોલર્સની કિંમતની ભેટો આપી હતી. તેમ અમેરિકાનાં વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે.
સામાન્ય શિરસ્તો તે છે કે પ્રમુખ કે, ફર્સ્ટ લેડીને જે કોઈ ગિફટ મળે તે તેવો વ્હાઈટ હાઉસની ઇસ્ટવિંગમાં રાખેલા ખંડમાં આર્કાઈવ્ઝ તરીકે રાખે છે. જો કે કોઈ ગિફટ ગમી જાય તો તેવો તેની બજાર કિંમત કરતાં અર્ધા ભાવે ખરીદી પણ શકે છે.
નરેન્દ્ર મોદીએ આપેલી ૨૦,૦૦૦ ડોલર્સથી પણ વધુ કિંમતની આ ગિફટ (હીરાનો હાર) બાયડેન કુટુંબે (ફર્સ્ટ લેડીએ) ખરીદી લીધો છે કે કેમ તે વિષે પત્રકારોએ વ્હાઈટ-હાઉસના પ્રવક્તાને પૂછતાં તેઓએ કહ્યું હતું કે તે વિષે મને કોઈ માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ, ઇંદીરા ગાંધી સાથે તે સમયનાં અખંડ સોવિયેત સંઘની મુલાકાતે ગયાં હતા ત્યારે પ્રમુખ બુલ્ગાનીનાં પત્નીએ ઇંદીરા ગાંધીને હીરાનો હાર ભેટ આપ્યો હતો પછી ઈન્દિરા ગાંધીએ તે નેશનલ આર્કાઈવ્ઝને સોંપ્યો હતો. તે હાર પણ લાખ્ખો ડોલર્સનો હોવા સંભવ છે.