ઇલોન મસ્ક, રામાસ્વામી અને અમેરિકાના NSA સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત, શું થઈ વાતચીત?
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. આજે તેઓ વૉશિંગ્ટન ડીસીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ થવા જઈ રહેલી આ ખાસ મુલાકાત પર સમગ્ર દુનિયાની નજર છે. આ બેઠક બાદ અનેક મોટા નિર્ણયો લેવાઈ શકે છે. બંનેની મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ વ્હાઇટ હાઉસમાં થશે. બંને ગ્લોબલ લીડર આ દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ જાહેર કરશે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સાથે ડિનર પણ કરશે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી વૉશિંગ્ટન ડીસીના બ્લેયર હાઉસમાં રોકાયા છે.
વડાપ્રધાન મોદી સાથે ઇલોન મસ્ક અને રામાસ્વામીએ કરી મુલાકાત
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇકલ વાલ્ટઝ બાદ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક બ્લેયર હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.આજે થયેલી બેઠક દરમિયાન વિવેક રામાસ્વામી પણ ઇલોન મસ્કની સાથે હતા. આ દરમિયાન મસ્કનો પરિવાર પણ સાથે હતો.
ઇલોન મસ્કના પરિવારને મળવું ખુશીની વાત: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ ઇલોન મસ્ક અને તેમના પરિવાર સાથેની મુલાકાત અંગે કહ્યું કે, 'ઇલોન મસ્કના પરિવારને મળવું અને અલગ-અલગ વિષયો પર વાતચીત કરવી પણ ખુશીની વાત હતી. વૉશિંગ્ટન ડીસીમાં ઇલોન મસ્કની સાથે ખુબ સારી બેઠક યોજાઈ. અમે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં તે મુદ્દા પણ સામેલ છે જે અંગે તેઓ ભાવુક છે. ઉદાહરણ તરીકે અંતરિક્ષ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા. મેં ભારતના સુધારા અને 'લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન' ને આગળ વધારવાના પ્રયાસો વિશે વાત કરી.'
ઇલોન મસ્ક પરિવાર સાથે વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા
ઇલોન મસ્ક સાથે સાથે તેમનો પરિવાર પણ જોવા મળ્યો. તેઓ પોતાના બાળકોને સાથે લઈને વડાપ્રધાન મોદીને મળવા જતાં જોવા મળ્યા.
વડાપ્રધાન મોદી સાથે માઇકલ વાલ્ટ્ઝે કરી મુલાકાત
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇકલ વાલ્ટઝે બ્લેયર હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ પણ હાજર રહ્યા.
અમેરિકાના NSA સાથે મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ અમેરિકન NSA સાથે મુલાકાત બાદ કહ્યું કે, 'તેઓ હંમેશા માટે ભારતના સારા મિત્ર રહ્યા છે. સંરક્ષણ, ટેકનોલોજી અને સુરક્ષા ભારત-અમેરિકા સંબંધોના મહત્ત્વપૂર્ણ પાસાં છે અને અમે આ મુદ્દાઓ પર શાનદાર ચર્ચા કરી. AI, સેમિકન્ડક્ટર, અંતરિક્ષ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની મજબૂત સંભાવનાઓ છે.'
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર)
- 2:20 વાગ્યે વડાપ્રધાન મોદી બ્લેયર હાઉસથી નિકળશે.
- 2:30 વાગ્યે વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસ પહોંચશે.
- 2:35 વાગ્યે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.
- 3:40 વાગ્યે પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરાશે.
- 4:10 વાગ્યે બંને નેતાઓ સાથે ડિનર કરશે.
ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે 8મી મુલાકાત
આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે થનારી મુલાકાત 8મી મુલાકાત હશે. આ સમયે સમગ્ર દુનિયાની નજર આ મુલાકાત પર ટકેલી છે. પહેલીવાર એવું બની રહ્યું છે, જ્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળનો એક મહિનો પૂર્ણ થતા પહેલા ભારતના વડાપ્રધાનને મળી રહ્યા છે.