Get The App

PM Modi US Visit: PM મોદીને ગળે મળ્યા ટ્રમ્પ, કહ્યું- 'ભારત-અમેરિકાનું સાથે રહેવું જરૂરી'

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
PM Modi US Visit: PM મોદીને ગળે મળ્યા ટ્રમ્પ, કહ્યું- 'ભારત-અમેરિકાનું સાથે રહેવું જરૂરી' 1 - image


PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે આજે (14 ફેબ્રુઆરી) તેમણે વૉશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને ગ્લોબલ લીડર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સાથે ડિનર પણ કરશે.

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત


વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ

વડાપ્રધાન મોદી અને ડોલાન્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બંને ગળે મળ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમારા સંબંધ ખુબ મજબૂત છે.' તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે, 'મોદી મારા ખુબ સારા મિત્ર છે.' જ્યારે વડાપ્રધાન મોદીએ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર ટ્રમ્પને શુભકામનાઓ પાઠવી.

ટ્રમ્પે જૂના મિત્રની જેમ મારું સ્વાગત કર્યું: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હું ભારતના લોકો તરફથી તમને શુભકામના પાઠવું છું. ભારતમાં મને ત્રીજી વખત સરકાર બનાવવાનો જનાદેશ આપવામાં આવ્યો છે. અમે સમાન ઉર્જા અને ઉત્સાહ સાથે મળીને કામ કરીશું.'

ભારત અને અમેરિકાનું સાથે રહેવું જરૂરી: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, 'ભારત ઓઇલ અને ગેસ ખરીદશે. અમે વ્યાપાર પર ચર્ચા કરીશું. તમને વ્હાઇટ હાઉસમાં ફરી જોઈને ખુશી થઈ. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુબ સારું લાગ્યું. ભારત અને અમેરિકાનું સાથે રહેવું જરૂરી છે.'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ટ્રમ્પે એક જૂના મિત્રની જેમ મારું સ્વાગત કર્યું. તેમણે મને નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદીની યાદ અપાવી.'

અમારા મળવાનો મતલબ છે 'એક ઓર એક 11': વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત અને અમેરિકાની ભાગીદારીથી માનવતાને લાભ થશે. ટ્રમ્પ અમને અમેરિકા ગ્રેટ અગેઈનની યાદ અપાવે છે, એ જ રીતે 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવો 1.4 અરબ ભારતીયોની આશા અને સંકલ્પ છે. અમારા મળવાનો મતલબ એક ઓર એક 11 છે. જે માનવતા માટે મળીને કામ કરશે.'

ભારત-અમેરિકા હંમેશા મિત્ર બન્યા રહેશે: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી શાનદાર કામ કરી રહ્યા છે, તેઓ એક મહાન નેતા છે. ભારત-અમેરિકા હંમેશા મિત્ર બન્યા રહેશે.' 

'અમે કોઈને માત આપવા અંગે નથી વિચારતા', ચીનના સવાલ પર બોલ્યા ટ્રમ્પ

જો તમે ભારત સાથે કડકાઈથી રહેશો તો ચીનને કેવી રીતે માત આપશો? આ સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, 'અમે કોઈપણને માત આપી શકીએ છીએ પરંતુ અમે કોઈને માત આપવા અંગે નથી વિચારતા, અમે સારું કામ કરી રહ્યા હતા, પરંતુ અમને રોકી દેવાયા.'

'ભારત તટસ્થ નથી, અમે શાંતિના પક્ષમાં', રશિયા-યુક્રન યુદ્ધ મુદ્દે બોલ્યા વડાપ્રધાન મોદી

રશિયા-યુક્રેન યુદ્ધથી જોડાયેલા એક સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત તટસ્થ નથી. ભારત શાંતિના પક્ષમાં છે. આ યુદ્ધનો યુગ નથી. સમાધાન યુદ્ધના મેદાનથી નહીં શોધી શકાય. અમે તમામ શાંતિના પાસાનું સમર્થન કરીએ છીએ. અમે ટ્રમ્પની યુદ્ધ ખતમ કરવાની પહેલનું સમર્થન કરીએ છીએ.' ટ્રમ્પે કહ્યું કે, 'અમે યુદ્ધ ખતમ કરવા ઈચ્છીએ છીએ.'

અમે ભારત અને અમેરિકા માટે કેટલાક શાનદાર વ્યાપાર કરાર કરીશું: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીનું અહીં હોવું ખુબ મોટા સન્માનની વાત છે. તેઓ મારા ખુબ જૂના મિત્ર છે. અમારી વચ્ચે ખુબ સારા સંબંધ રહ્યા છે અને અમે 4 વર્ષના સમયગાળા દરમિયાન સંબંધો બનાવી રાખ્યા. અમે હવે ફરીથી શરૂઆત કરી છે. મને લાગે છે કે, અમારી પાસે વાત કરવા માટે અનેક ખુબ મોટા મુદ્દા છે. નંબર 1 એ છે કે તેઓ અમારી પાસેથી ઓઇલ અને ગેસ ખરીદવા જઈ રહ્યા છે. અમારી પાસે દુનિયાના કોઈ પણ અન્ય દેશની સરખામણીમાં વધુ ઓઇલ અને ગેસ છે. તેમને તેની જરૂરિયાત છે અને અમારી પાસે એ છે. અમે વેપાર અંગે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે ભારત અને અમેરિકા માટે કેટલાક શાનદાર વ્યાપાર કરાર કરવા જઈ રહ્યા છીએ.'

ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત કરાયું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૉશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજાઈ. આ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની તેમની સાથે પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચે અનેક વિષયો પર વિસ્તૃત વાતચીત થઈ. વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ વ્હાઇટ હાઉસમાં હાજર છે. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સહિત ભારતીય પ્રતિનિધિમંડળ પણ વ્હાઇટ હાઉસ પહોંચ્યું હતું

ટ્રમ્પે તમામ દેશો માટે રેસિપ્રોકલ ટેરિફનું કર્યું એલાન

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર ટેરિફ)ની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'વેપારના મામલે મેં નિષ્પક્ષતા સાથે એ નિર્ણય લીધો છે કે, અમે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરીશું, જેનો મતલબ છે કે જે પણ દેશ અમેરિકા પાસેથી ટેક્સ વસૂલે છે, અમે પણ તેના પર ટેક્સ લગાવીશું. ન વધુ અને ન ઓછો. તેઓ અમારી પાસેથી ટેક્સ વસૂલે છે, તો અમે પણ તેના પર સમાન ટેક્સ અને ટેરિફ લાવીશું.' રેસિપ્રોકલ ટેરિફનો મતલબ છે કે, જ્યારે કોઈ દેશ અન્ય દેશને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર સમાન ટેરિફ ચૂકવવો પડે છે તો તેને રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવે છે.

અમેરિકાના સહયોગી દુશ્મનોથી પણ ખરાબ હોય છે: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, 'વેપારના કિસ્સાઓમાં અમેરિકાના સહયોગી દુશ્મનોથી પણ ખરાબ હોય છે. એટલા માટે અમેરિકા સાથે જે જેવું કરશે અમે તેવું કરીશું.'

ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે. ત્યાં વેપાર કરવો અઘરો છે. કેટલાક નાના દેશ છે, જે હકિકતમાં મોટરસાઇકલો નથી વેચી શકતા કારણ કે ભારતમાં ટેક્સ ખુબ વધારો હતો, ટેરિફ ખુબ વધારે હતો.

'તેઓ ભારતમાં બિઝનેસ કરવા ઈચ્છે છે પરંતુ...', મોદી-મસ્કની મુલાકાત પર બોલ્યા ટ્રમ્પ

વડાપ્રધાન મોદી અને ઇલોન મસ્કની મુલાકાત પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, 'હું માનું છું કે તેઓ ભારતમાં બિઝનેસ કરવા ઈચ્છે છે, પરંતુ ભારત બિઝનેસ કરવા માટે ખુબ મુશ્કેલ જગ્યા છે. ત્યાં ટેરિફ સૌથી વધુ છે. આ બિઝનેસ કરવા માટે એક કઠિન જગ્યા છે.'

ટ્રમ્પે બ્રિક્સ દેશોને આપી 100 ટકા ટેરિફની ધમકી

ટ્રમ્પે બ્રિક્સ દેશોને ફરી એકવાર ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ડોલરની સાથે રમવા પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. જો બ્રિક્સ દેશ ડોલર સાથે મરશે તો તેમને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.'

ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ નહીં થાય: વ્હાઇટ હાઉસ અધિકારી

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ગુરૂવારે કહ્યું કે, 'આ જાણીજોઈને લેવામાં આવેલો નિર્ણય છે, જેથી દેશોને અમેરિકા સાથે સંભાવિત રીતે નવી વેપાર શરતો પર વાતચીત કરવાનો સમય મળી શકે. જો કે, ટેરિફ તાત્કાલિક અસરથી લાગૂ નહીં થાય.'

'રશિયાને G-7માં જોવા ઈચ્છું છું', ટ્રમ્પનું મોટું નિવેદન

રૉયટર્સના રિપોર્ટ અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન રશિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ રશિયાને G-7માં પરત જોવા ઈચ્છે છે. ટ્રમ્પે કહ્યું કે, હું રશિયાને G-7માં પરત લાવવાનું પસંદ કરીશ, રશિયાને બહાર કરવું એક મોટી ભૂલ હતી.

હું રાષ્ટ્રપતિ હોત તો ક્યારે યુક્રેન યુદ્ધ ન થયું હોત: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'યુક્રેન યુદ્ધને ખતમ કરવું પડશે. યુવાનોને તે સ્તરે મારવામાં આવી રહ્યા છે, જેમ બીજા વિશ્વ યુદ્ધ બાદ કોઈએ ન જોયું હોય. આ યુદ્ધને સમાપ્ત કરવું જ પડશે. રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે મારી સારી વાતચીત થઈ. મને ખબર છે કે ઝેલેન્સ્કી એક કરાર કરવા ઈચ્છે છે કારણ કે તેમણે મને જણાવ્યું હતું. પરંતુ હવે મને ખબર છે કે રશિયા કોઈ કરાર કરવા ઇચ્છે છે. મને લાગે છે કે રશિયા જે સ્થિતિ વાળો કોઈ દેશ તેમને નાટોમાં સામેલ થવાની મંજૂરી આપી શકે છે. મને એવું થતું નથી દેખાઈ રહ્યું. મારું માનવું છે કે આ જ યુદ્ધ થવાનું કારણ છે, કારણ કે બાઇડેને કહ્યું હતું કે, યુક્રેન નાટોમાં સામેલ થઈ શકે છે અને તેમણે એવું નહોતું કરવું જોઈતું. આ એક એવું યુદ્ધ છે જે હું રાષ્ટ્રપતિ હોત તો ક્યારે ન થયું હોત.'

કેનેડા અમારું 51મું રાજ્ય, મેં 'ગવર્નર' ટ્રૂડો સાથે કરી વાત: ટ્રમ્પ

કેનેડાને લઈને ટ્રમ્પે કહ્યું કે, 'તે અમેરિકાનું 51મું રાજ્ય છે. અમેરિકાને તેની પ્રોડક્ટ્સની જરૂર નથી અને તે આ અંગે હું 'ગવર્નર' ટ્રૂડો સાથે વાત કરી ચૂક્યો છું.'

ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે 8મી મુલાકાત

વૉશિંગ્ટન ડીસીના બ્લેયર હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇકલ વાલ્ટઝ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ઇલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને મળ્યા હતા. ત્યારબાદ આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ જે બંને વચ્ચેની 8મી મુલાકાત હશે. પહેલીવાર એવું બન્યું છે, જ્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળનો એક મહિનો પૂર્ણ થતા પહેલા ભારતના વડાપ્રધાનને મળ્યા હોય. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ અનેક વખત એકાબીજાને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ મુલાકાત ભારત અને અમેરિકાના સંબંધોમાં નવો તબક્કો શરૂ કરશે. જેમાં વ્યાપાર, રક્ષા અને ઉર્જા પર મોટા કરાર થવાની આશા છે. બંને નેતાઓની મુલાકાત પહેલા ટ્રમ્પ સરકારે ભારત સાથે અમેરિકન રક્ષા સાધનોની વધુ ખરીદી, અમેરિકન ટેક્નોલોજીને પ્રાથમિકતા આપવા, ઉર્જા ઉત્પાદનોની વધુ આયાત અને 2025ના અંત સુધીમાં એક નિષ્પક્ષ વેપાર સમજૂતીની દિશામાં આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર)

  • 2:20 વાગ્યે વડાપ્રધાન મોદી બ્લેયર હાઉસથી નિકળશે.
  • 2:30 વાગ્યે વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસ પહોંચશે.
  • 2:35 વાગ્યે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.
  • 3:40 વાગ્યે પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરાશે.
  • 4:10 વાગ્યે બંને નેતાઓ સાથે ડિનર કરશે.

વડાપ્રધાન મોદી સાથે ઇલોન મસ્ક અને રામાસ્વામીએ કરી મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇકલ વાલ્ટઝ બાદ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક બ્લેયર હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આજે થયેલી બેઠક દરમિયાન વિવેક રામાસ્વામી પણ ઇલોન મસ્કની સાથે હતા. આ દરમિયાન મસ્કનો પરિવાર પણ સાથે હતો. 

વડાપ્રધાન મોદીએ ઇલોન મસ્ક અને તેમના પરિવાર સાથેની મુલાકાત અંગે કહ્યું કે, 'ઇલોન મસ્કના પરિવારને મળવું અને અલગ-અલગ વિષયો પર વાતચીત કરવી પણ ખુશીની વાત હતી. વૉશિંગ્ટન ડીસીમાં ઇલોન મસ્કની સાથે ખુબ સારી બેઠક યોજાઈ. અમે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં તે મુદ્દા પણ સામેલ છે જે અંગે તેઓ ભાવુક છે. ઉદાહરણ તરીકે અંતરિક્ષ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા. મેં ભારતના સુધારા અને 'લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન' ને આગળ વધારવાના પ્રયાસો વિશે વાત કરી.'

ઇલોન મસ્ક પરિવાર સાથે વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા

ઇલોન મસ્ક સાથે સાથે તેમનો પરિવાર પણ જોવા મળ્યો. તેઓ પોતાના બાળકોને સાથે લઈને વડાપ્રધાન મોદીને મળવા જતાં જોવા મળ્યા.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇકલ વાલ્ટઝે બ્લેયર હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ પણ હાજર રહ્યા.

વડાપ્રધાન મોદીએ અમેરિકન NSA સાથે મુલાકાત બાદ કહ્યું કે, 'તેઓ હંમેશા માટે ભારતના સારા મિત્ર રહ્યા છે. સંરક્ષણ, ટેકનોલોજી અને સુરક્ષા ભારત-અમેરિકા સંબંધોના મહત્ત્વપૂર્ણ પાસાં છે અને અમે આ મુદ્દાઓ પર શાનદાર ચર્ચા કરી. AI, સેમિકન્ડક્ટર, અંતરિક્ષ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની મજબૂત સંભાવનાઓ છે.'


Google NewsGoogle News