પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકા મુલાકાતે, રાષ્ટ્રપતિ બાઈડન સાથે કરી દ્વિપક્ષીય વાતચીત
PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સાથે કેટલીક દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે. નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની પ્રવાસે ગયા છે અને હવે તેમની નવમો પ્રવાસ છે. વિદેશ મંત્રાલય (MEA)એ મંગળવારે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.
રાષ્ટ્રપતિ બાઈડન સાથે પીએમ મોદીએ કરી વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાતચીત માટે ડેલવાયર અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડનના ઘરે પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હજાર રહ્યા.
US | Bilateral meeting between PM Narendra Modi and US President Joe Biden has commenced at Greenville, Delaware pic.twitter.com/Cut8FsY5qB
— ANI (@ANI) September 21, 2024
આ દરમિયાન વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ નેતાઓની ચોથી સમિટમાં ભાગ લેશે. 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં આયોજિત આ સમ્મેલન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની મેજબાનીમાં થશે. એ પછી 22 સપ્ટેમ્બરે તેઓ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાય સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી તેમના પ્રવાસના છેલ્લા દિવસે 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં પણ ભાગ લેશે.
ક્વાડ નેતાઓ આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે
ક્વાડના નેતાઓ સાથે સ્વાસ્થ્ય સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ, ઉભરતી ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને એન્ટી ટેરરિઝમના ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરશે.
આ ઉપરાંત યુક્રેન અને ગાઝા સંઘર્ષોમાં શાંતિપૂર્ણ ઉકેલ શોધવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવશે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સ્થિરતા પર ભાર મૂકવામાં આવશે.
અમેરિકા રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ હતું કે, હિન્દ મહાસાગરમાં શાંતિ અને સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરતાં સમાન વિચારધારાવાળા દેશોના મુખ્ય મંચમાં ઉભરી આવ્યા છે.
બાઈડેન સાથે મુલાકાતમાં આ મુદ્દા પર હશે ફોકસ
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું કે, પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન યુક્રેન યુદ્ધ અને આ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર ચર્ચા કરશે. આ સાથે બાઈડેન પીએમ મોદી સાથે તેમની યુક્રેનની મુલાકાત વિશે વાત કરશે.
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વિટ કરીને કહ્યું કે, આજે હું ડેલાવેરમાં મારા ઘરે વડાપ્રધાન અલ્બેનીઝ, મોદી અને કિશિદાનું સ્વાગત કરીશ. આ નેતાઓ ન માત્ર એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને સુનિશ્ચિત કરવા માટે જ જરૂરી છે, તેઓ મારા અને આપણા રાષ્ટ્રના મિત્રો છે.
આ ઉપરાંત પીએમ મોદી અમેરિકાના લોંગ આઈલેન્ડમાં ભારતીય પ્રવાસી સમુદાયના એક કાર્યક્રમમાં પણ સામેલ થવાના છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજી પર કામ કરતી અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લેશે.