Get The App

વડાપ્રધાન મોદી, ઇટાલીના વડાપ્રધાનના વિશેષ આમંત્રણથી જી-7 પરિષદમાં ભાગ લેવા ઇટાલી પહોંચ્યા

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદી, ઇટાલીના વડાપ્રધાનના વિશેષ આમંત્રણથી જી-7 પરિષદમાં ભાગ લેવા ઇટાલી પહોંચ્યા 1 - image


- વિમાન મથકે બ્યુગલથી સ્વાગત, ભારતીયોને પણ મળ્યા

- ફેસેનોમાં યોજાનારી આ શિખર પરિષદ રશિયા-યુક્રેન, હમાસ-ઇઝરાયલ યુદ્ધ અને ચીન મહત્વના મુદ્દાઓ બની રહેશે જેમાં મોદી ઉપર સૌની નજર છે

રોમ, નવી દિલ્હી : ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીના વિશેષ આમંત્રણથી જી-૭ પરિષદમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે રાત્રે (સ્થાનિક સમય પ્રમાણે) એપુલિયા વિસ્તારમાં આવેલા રિસોર્ટ ફેસેનો પહોંચ્યા હતા. જયાં વીતેલા વર્ષોના રોમન-સામ્રાજ્યની પરંપરા પ્રમાણે તેઓનું બ્યુગલના નાદ સાથે સ્વાગત કરાયું હતું. તે સમયે ત્યાં ઉપસ્થિત રહેનારા ભારતીય વંશના નાગરિકોએ પણ તેઓને વધાવ્યા હતા. તે સમયે ઇટાલીની ત્રણે સેનાઓના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

સતત ત્રીજી વાર વડાપ્રધાન પદે નિયુકત થયેલા મોદીની પોતાનો પદભાર સંભાળ્યા પછી આ સૌથી પહેલી વિદેશ યાત્રા છે.

આ શિખર પરિષદમાં મુખ્ય કાર્ય સૂચી તો રશિયા યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને ચીન મુખ્ય મુદ્દાઓ બની રહેશે. ચીન કે પાકિસ્તાનને આ પરિષદમાં નિમંત્રણ નથી તે ઉલ્લેખનીય છે.

જયોર્જીયા મેલોનીએ આ પરિષદમાં ઉપસ્થિત રહેવા અલ્જિરિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજીપ્ત, કેન્યા, મોરેશિયાના, સઉદી અરેપિયા, દક્ષિણ આફ્રિકા, ટયુનિસ્યા અને તુર્કીને પણ પરિષદ પછીની અન્ય બેઠકમાં ઉપસ્થિત રહેવા ભારતની જેમ જ આમંત્રણ અપાયું હતું. પરંતુ તે સર્વેમાં ભારતનું સ્થાન કેટલું વિશિષ્ટ છે તેનો સુશ્રી મેલોનીએ નમસ્તે કરીને સૌ કોઈનાં કરેલા સ્વાગત ઉપરથી નિશ્ચિત થઈ જાય છે.

શુક્રવારથી શરૂ થનારી આ પરિષદ બે દિવસ ચાલવાની છે. તેમાં એઆઈ, ઊર્જા, મેડીટરેનિયમ આફ્રિકા અને ચીનના મુદ્દાઓ ઉપર પણ વિમર્શ થવાનો છે.

ભાગ્યે જ કોઈ પણ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહેનારા પોપ હીઝ હોલિનેઝ ફ્રાંસિસ પણ ભાગ લેશે.

જી-૭ પરિષદમાં ભારતના પ્રમુખ પદે યોજાયેલી જી-૨૦ પરિષદ સમયે વિશેષતઃ ગ્લોબલ સાઉથ અંગે થયેલી ચર્ચા અને તેના તારણો સાથે તાલબદ્ધતા સ્થાપવા વિમર્શ કરવામાં આવશે.

સહજ રીતે મોદી મેલોની સાથે દ્વિ-પક્ષીય મંત્રણા કરશે. ઉલ્લેખનીય છે કે ઇટાલીના વડાપ્રધાન પૂર્વે ભારતની મુલાકાતે બે વખત આવી ગયા છે. તેઓને મોદી પ્રત્યે અંગત માન અને આદર છે તેમજ ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પણ તેઓને અહોભાવ છે.

આ પરિષદ દરમિયાન વડાપ્રધાન અમેરિકના પ્રમુખ જો બાયડેન, બ્રિટનના વડાપ્રધાન ભારત વંશીય ઋષિ શુનક, ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુલ મેક્રોં, જાપાનના વડાપ્રધાન ફૂમિયો કીશીદા જર્મનીના ચાન્સેલર ઓલેફ શોલ્ઝ તેમજ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજશે. તેઓ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સાથે તો માત્ર ઔપચારિક વાતચીત કરશે તેમની સાથે મંત્રમા કરાવાનું મોદીની કાર્યસૂચિમાં જ નથી.

ગુરુવારે રાત્રે ઇટાલી જવા રવાના થતા પૂર્વે વડાપ્રધાને પત્રકારોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, આ શિખર મંત્રણામાં આપણા ગ્રહમાં વસતા તમામના જીવન કઈ રીતે સુધરી શકે તે વિષે હું મારૃં મંતવ્ય રજૂ કરવાનો છું. હું ભારત -ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારી, અને સહકાર કઈ રીતે વિકસાવવા તે વિષે પણ ઇટાલીના વડાપ્રધાન સાથે ચર્ચા કરવાનો છું. તે ઉપરાંત ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય-સમુદ્રના વિસ્તાર વિષે (ઇઝરાયલ-હમાસ યુદ્ધ) અંગે પણ ચર્ચા કરવાનો છું. આ પરિષદમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે રશિયાની મિલકતો વેચી તેના ૫૦ અબજ ડોલર યુક્રેનને આપવા.

આ પરિષદ પછી મોદી ભારત આવવા રવાના થવાના છે. ૧૫-૧૬ જૂન દરમિયાન સ્વિત્ઝર્લેન્ડના બર્ગેતસ્ટોકમાં યોજાનારી યુક્રેન શાંતિ પરિષદમાં ઉપસ્થિત નહીં રહી શકે તેમ વિદેશ સચિવ વિનય કવાત્રાએ જણાવ્યું હતું.

તે પરિષદમાં મહદઅંશે ભારતનું પ્રતિનિધિત્વ એસ.શિવશંકર કરશે તેમ વિશેષજ્ઞોનું માનવું છે.


Google NewsGoogle News