પાકિસ્તાનમાં પીએમની ખુરશી અભિશાપ છે, એક પણ વડાપ્રધાન પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી
ઈસ્લામાબાદ, તા. 8 ફેબ્રુઆરી 2024
પાકિસ્તાનમાં આજે મતદાન થઈ રહ્યુ છે. કરોડો મતદારો પાકિસ્તાનમાં આગામી સરકાર કોની હશે તે નક્કી કરશે.
પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, પાકિસ્તાનમાં કોઈ પણ વડાપ્રધાન ક્યારે પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી. પાકિસ્તાનની સેનાના પીઠબળથી જ મોટાભાગની સરકારો અત્યાર સુધી શાસન કરતી આવી છે .
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે ઈમરાન ખાનની સરકારને ત્રણ જ વર્ષમાં ઉથલાવીને પોતાની સરકાર બનાવી હતી. એ પછી અત્યારે કાર્યકારી વડાપ્રધાન અનવાર ઉલ હક કાકર કાર્યકારી વડાપ્રધાન છે.
પાકિસ્તાનમાં જેટલા વડાપ્રધાન શાસન કરી ચુકયા છે. જેમાંથી આઠ કેર ટેકર વડાપ્રધાન રહ્યા છે. જોકે બાકીના કોઈ વડાપ્રધાન પોતાનો પાંચ વર્ષનો શાસનકાળ પૂરો કરી શક્યા નથી.
આઝાદી પછીની વાત કરવામાં આવે તો પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાને સત્તામાં ચાર વર્ષ અને 63 દિવસ પૂરા કર્યા બાદ ગોળી મારીને તેમની હત્યા કરાઈ હતી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સૌથી લોકપ્રિય વડાપ્રધાન હતા પણ 3 વર્ષના શાસન બાદ સેનાએ તેમની સામે બળવો કર્યો હતો અને તેમને ફાંસીએ ચઢાવી દીધા હતા.
1988માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા હતા. એક વર્ષ અને 247 દિવસ શાસન કર્યા બાદ બેનઝીરે માત્ર 12 વોટથી પોતાની સત્તા ગુમાવી હતી. તેમની જગ્યાએ નવેમ્બર 1990માં વડાપ્રધાન બનેલા પાકિસ્તાની મુસ્લિમ લીગના નેતા નવાઝ શરીફ 2 વર્ષ અને 254 દિવસ સુધી સત્તા પર ટકી શક્યા હતા અને એ પછી તેમની સરકાર ગબડી પડી હતી.
ઓક્ટોબર 1993માં બેનઝીર ભુટ્ટો ફરી વડાપ્રધાન બન્યા હતા પણ આ વખતે તેમની સરકારનુ આયુષ્ય ત્રણ વર્ષ અને 17 દિવસનુ રહ્યુ હતુ.રાષ્ટ્રપતિએ તેમની સરકારને બરખાસ્ત કરી નાંખી હતી.નવાઝ શરીફની 1997માં પૂર્ણ બહુમત સાથે ફરી સત્તા પર વાપસી થઈ હતી.આમ છતા તેમણે વડાપ્રધાન તરીકે બે વર્ષ 237 દિવસ જ પૂરા કર્યા હતા.જનરલ પરવેઝ મુશરફે તેમની પાસેથી સત્તા આંચકી લીધી હતી.
એ પછી પાકિસ્તાનમાં મુશરફનુ એકહથ્થુ શાસન ચાલ્યુ હતુ. તેમના શાસનકાળમાં વડાપ્રધાન માત્ર કઠપૂતળી હતી અને આમ છતા કોઈ વડાપ્રધાન પાંચ વર્ષ ટકી શક્યા નહોતા. મીર ઝફરુલ્લાહ ખાન એક વર્ષ 216 દિવસ માટે, ચૌધરીશુજાત હુસૈન 57 દિવસ માટે અને શૌકત અઝીઝ 3 વર્ષ 79 દિવસ માટે પીએમ રહ્યા હતા.
ફરી ચૂંટણી યોજાઈ તો યૂસુફ રઝા ગીલાની વડાપ્રધાન બન્યા હતા અને તેમણે સૌથી વધારે 4 વર્ષ 86 દિવસ માટે શાસન કર્યુ હતુ પણ પાંચ વર્ષ પૂરા કરવાનુ તો તેમના નસીબમાં પણ નહોતુ લખ્યુ. તેમના પછી વડાપ્રધાન બનેલા રાજા પરવેઝ અશરફ પાસે તો આ ખુરશ માત્ર 257 દિવસ માટે રહી હતી.
2013માં નવાઝ શરીફ ફરી દેશના વડાપ્રધાન બન્યા હતા પણ પનામા પેપર લીક કાંડના કારણે તેમણે 4 વર્ષ અને 53 દિવસ બાદ ફરી એક વખત વડાપ્રધાન પદ છોડવાનો વારો આવ્યો હતો.બાકીની મુદત સૈયદ કાખન અન્સારીએ પૂરી કરી હતી.
કુલ મળીને 30 વર્ષમાં પાકિસ્તાને 12 નિયમિત વડાપ્રધાન જોયા છે અને આ પૈકી એક પણ વડાપ્રધાન પાંચ વર્ષની પોતાની મુદત પૂરી કરી શક્યા નથી. પાકિસ્તાનમાં સેનાના દબદબા વચ્ચે પીએમ પદ જાણે પનોતી પૂરવાર થયુ છે.